જમ્મુ અને કાશ્મીરમાં CRPFનું વાહન ખીણમાં ખાબક્યું; ત્રણ જવાનો શહીદ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ગોઝારો માર્ગ અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના જવાનોને લઈ જતું એક વાહન ખીણમાં ખાબકતા ત્રણ જવાનો શહીદ થયા છે અને 16 ઘાયલ થયા છે.

અહેવાલ મુજબ અકસ્માતગ્રસ્ત વાહન CRPFની 187મી બટાલિયનનું છે. આ ઘટના ઉધમપુર જીલ્લાના કડવા વિસ્તારમાં સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. બસંતગઢથી એક ઓપરેશન પતાવ્યા બાદ જવાનો પરત ફરી રહ્યા હતાં ત્યારે અક્સમાત નડ્યો હતો.
અહેવાલ મુજબ વાહનમાં 23 જવાનો સવાર હતાં, ચાલકે કાબુ ગુમાવતા વહાન ખીણમાં ખાબક્યું હતું. આ ઘટનામાં બે જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે 16 ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, સારવાર દરમિયાન વધુ એક જવાનનું મોત નીપજ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે આ ઘટનાની જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, “મેં હમણાં જ ડીસી સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને મને અપડેટ આપી રહ્યા છે.”