અદાલતોમાં કરોડો કેસ પેન્ડિંગ; વિલંબ માટે આ કારણો જવાબદાર, સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી | મુંબઈ સમાચાર
નેશનલ

અદાલતોમાં કરોડો કેસ પેન્ડિંગ; વિલંબ માટે આ કારણો જવાબદાર, સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: ભારતની ન્યાય પ્રણાલીને દુનિયાની સૌથી ધીમી ન્યાય પ્રણાલીમાંની એક માનવા આવે છે, એક વાર કોર્ટમાં દાખલ થયેલો કેસ વર્ષોના વર્ષો સુધી ચાલે છે. એવામાં ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે વિવિધ અદાલતોમાં સુનાવણીમાં બિનજરૂરી વિલંબ અંગે સુનાવણી દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝડપી સુનાવણીએ જીવન જીવવાના અધિકારનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

અહેવાલ મુજબ ભારતની વિવધ અદાલતોમાં કુલ 5.34 કરોડ કેસ પેન્ડિંગ છે, જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પારડીવાલા અને ન્યાયાધીશ વિશ્વનાથનની બેન્ચે 22 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો, આ આદેશમાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને જિલ્લા ન્યાયિક અધિકારીઓને એક સર્ક્યુલર મોકલવાના નિર્દેશ આપ્યા. સર્ક્યુલરમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વકીલોની ગેરહાજરીને કારણે સુનાવણી મુલતવી રાખવી નહીં. ફક્ત શોકની સ્થિતિમાં જ તેની મંજુરી આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવતા કહ્યું કે જો આરોપીઓ અને તેમના વકીલો મળીને કાર્યવાહીમાં જાણીજોઈએ વિલંબ કરી રહ્યા હોય, તો તેના જામીન રદ કરવા માટે વિચાર કરવો.

કઈ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ?

અહેવાલ મુજબ 25 સપ્ટેમ્બર સુધી ભારતની વિવિધ અદાલતોમાં 5.34 કરોડ કેસ પેન્ડિંગ હતા, જેમાંથી મોટાભાગના કેસ જિલ્લા અને નીચલી અદાલતોમાં પેન્ડિંગ છે. જિલ્લા અને નીચલી અદાલતોમાં 4.7 કરોડ કેસો પેન્ડિંગ છે. દેશની હાઈકોર્ટોમાં 6.78 લાખ કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં 88,251 કેસ પેન્ડિંગ છે.

નીચલી અદાલતોમાં કેસ કેમ પેન્ડિંગ રહે છે?

નીચલી અદાલતોમાં કેસ પેન્ડિંગ રહેવાના મુખ્ય કારણો અંગે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDG) એ જાણકારી આપી છે. નીચલી અદાલતોમાં કુલ 4.7 કરોડ કેસ પેન્ડિંગ છે, માંથી 1.78 કરોડ કેસોમાં વિલંબનાં કારણોના ડેટા આપ્યા છે, જ્યારે આશરે 3 કરોડ કેસમાં વિલંબનું કારણ આપવામાં આવ્યું નથી.

કેસમાં વિલંબ માટે સૌથી મોટું કારણ વકીલોનું હાજર ન રહેવું છે, 62 લાખથી વધુ કેસમાં વકીલો હાજર ન રહેવાને કારણે ટ્રાયલ આગળ નથી વધી રહી. 35 લાખ કેસો આરોપીઓ ફરાર હોવાને કારણે પેન્ડિંગ છે. 27 લાખ કેસમાં સાક્ષીઓ ગુમ છે. 23 લાખથી વધુ કેસ પર વિવિધ અદાલતો દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે. 14 લાખ કેસ જરૂરી દસ્તાવેજોની ન હોવાને કારણે પણ પેન્ડિંગ છે અને લગભગ 8 લાખ કેસ પક્ષકારોને રસ ન હોવાને કારણે પેન્ડિંગ છે. વારંવાર અપીલ કરવાને કારણે પણ હજારો કેસ પેન્ડિંગ છે. પક્ષકારોના મૃત્યુ બાદ તેમના કાયદાકીય પ્રતિનિધિઓની ગેરહાજરી પણ પેન્ડિંગ માટે જવાબદાર છે.

બેન્ચે નીચલી અદાલતોને ફટકાર લગાવતા કહ્યું, “જ્યારે સાક્ષીઓ હાજર હોય ત્યારે પણ, ખૂબ જ સામાન્ય અથવા નબળા આધારો પર નીચલી અદાલતો સુનાવણી મુલતવી રાખતી હોય છે.”

સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે નીચલી અદાલતો તેમના આદેશોનું પાલન કરે, જેના કારણે પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઘટાડો થાય અને લોકોને સમયસર ન્યાય મળે.

આ પણ વાંચો…દેશની અદાલતોમાં ચેક બાઉન્સનાં જ અધધધ 43 લાખ કેસ પેન્ડિંગ! ગુજરાતમાં શું સ્થિતિ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button