સિદ્ધરમૈયાની ખુરશી પર સંકટ: ભાજપના નેતાએ ફરી વિવાદ જગાવ્યો

બેંગલુરુ: કર્ણાટક કૉંગ્રેસમાં જૂથવાદ અને નેતૃત્ત્વ પરિવર્તનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. જોકે, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ બુધવારે નેતૃત્ત્વ પરિવર્તનની અટકળોનો અંત આણ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાને પણ કૉંગ્રેસમાં જૂથવાદ નથી એની પુષ્ટી કરી હતી, પરંતુ વિપક્ષ કૉંગ્રેસમાં વહેતી અટકળો અટકે નહીં એવું ઈચ્છી રહી હોય એવું લાગી રહ્યું છે. એક તરફ કૉંગ્રેસે વિવાદ શાંત પાડી દીધો છે, તો બીજી તરફ ભાજપના નેતા વિવાદને ફરીથી વધારી રહ્યા છે.
મુખ્ય પ્રધાનનું બદલાવવાનું નિશ્ચિત
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે મોટું નિવેદન આપ્યું છે. આર. અશોકે જણાવ્યું કે, “ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં મુખ્ય પ્રધાનનું બદલાવું નક્કી છે. કૉંગ્રેસના દરેક ધારાસભ્ય મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા ધરાવે છે. મુખ્ય પ્રધાન બદલાશે એવી વાત કરીને ભાજપના નેતા આર. અશોક અટક્યા નથી.
આ પણ વાંચો: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો મોટો દાવો: પાંચ વર્ષ માટે હું જ CM રહીશ
તેમણે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને પણ પોતાના નિવેદનનો શિકાર બનાવ્યા છે. આર. અશોકે આગળ જણાવ્યું કે ડીકે શિવકુમાર સત્તા હડપવાના સંકેતો આપી રહ્યા છે. હું તેઓને ચેલેન્જ આપું છું કે, તેઓ જાહેરાત કરે કે સિદ્ધારમૈયા 2028 સુધી રાજ્યના સીએમ બની રહેશે. અમે તેને છઠ્ઠી ગેરન્ટી તરીકે સ્વીકારીશું અને ચૂપ રહીશું.
ભાજપનો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, બુધવારે સીએમ સિદ્ધારમૈયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધી હું જ કર્ણાટકનો સીએમ બન્યો રહીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપના નેતાઓ અમારા હાઈ કમાન્ડ નથી. તેઓ દ્વારા કહેલી વાતને સાચી માનશો નહીં. તેઓ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.