બાંગ્લાદેશમાં સંકટઃ ભારત-બાંગ્લા વેપાર કડક સુરક્ષા વચ્ચે ફરી શરૂ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પેટ્રોપોલ લેન્ડ પોર્ટ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર કડક સુરક્ષા વચ્ચે ગુરૂવારે સવારે ફરી શરૂ થયો હતો. આ માહિતી અધિકારીઓએ આપી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી ૫ ઓગસ્ટના રોજ દક્ષિણ એશિયાના બંને પડોશી દેશોનો વેપાર અટકી ગયો હતો અને પેટ્રોપોલ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભૂમિ બંદરો દ્વારા આજે આંશિક રીતે ફરી શરૂ થયો હતો.
પેટ્રોપોલના માધ્યમથી દ્વિપક્ષીય વેપાર બાંગ્લાદેશ સાથે વહેંચાયેલા તમામ ભૂમિ બંદરોમાં સૌથી વધુ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોપોલથી સવારથી વેપાર શરૂ થયો હતો. માડાગાંઠને ઉકેલવા માટે ગઇકાલે બંને દેશોના હિતધારકો સાથે બેઠક થઇ હતી.
આ પણ વાંચો : બાંગ્લાદેશની કટોકટીને પગલે મહારાષ્ટ્રના વેપારીઓ ટેન્શનમાં
બેનાપોલ સીએન્ડએફ સ્ટાફ એસોસિએશનના જનરલ સેક્રેટરી સાજેદુર રહેમાને બુધવારે સાંજે બેઠક બાદ જણાવ્યું હતું કે ગુરૂવારે સવારે વેપાર ફરી શરૂ થવાની ધારણા છે. બેનાપોલ પશ્ચિમ બંગાળમાં પેટ્રોપોલ સરહદની બાંગ્લાદેશ બાજુએ આવેલું છે. બુધવારે હિલી, ચાંગરાબંધ, મહાદીપુર, ફુલબારી અને ગોજાડાંગા જેવા ભૂમિ બંદરો પર મોટાભાગે જલ્દી ખરાબ થતા માલનો વેપાર આંશિક રીતે ફરી શરૂ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સરકાર સામે મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શન બાદ હસીના સરકારના પતનને પગલે ભારતે સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. સીમા સુરક્ષા દળના મહાનિર્દેશકે બાંગ્લાદેશમાં કટોકટી વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સાથેની સ્થિતિની સમીક્ષા કરવા મંગળવારે પેટ્રોપોલની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજા ક્રમનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે.