Baba Ramdev અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલશે ક્રિમિનલ કેસ, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: પતંજલિ (Patanjali)આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવ(Baba Ramdev)અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો આપવા બદલ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. આ અંગે કોર્ટે પરવાનગી આપી છે. આ મામલામાં આગામી સુનાવણી 3 જૂને થશે. આ કેસમાં રામદેવ અને બાલકૃષ્ણ હાજર થાય તેવી પણ શક્યતા છે. આ પૂર્વે પણ બંને સુપ્રીમ કોર્ટની તિરસ્કારની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમને હાજર થવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Patanjali Products: પતંજલિ આયુર્વેદ સામે કડક કાર્યવાહી, ઉત્તરાખંડ સરકારે 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો
ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી ત્રણ જૂનના રોજ કેરલના કોઝિકોડમાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થવાની છે. આ કેસ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ, 1954ની કલમ 3(b) અને 3(d) હેઠળ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નિર્દેશ આપ્યો હતો કે પતંજલિની ભ્રામક જાહેરાતો સંબંધિત તિરસ્કારના કેસમાં તેમની હાજરી ફરજિયાત છે.
પતંજલિ આયુર્વેદ અને તેના સ્થાપકો તેમની જાહેરાતોમાં કરવામાં આવેલા દાવાઓ માટે અનેક અદાલતોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના કારણે પતંજલિની કેટલીક જાહેરાતો પર કામચલાઉ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રોગોની સારવારમાં તેમના ઉત્પાદનોની અસરકારકતા વિશે ખોટા દાવા કરવા બદલ તિરસ્કારની નોટિસ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો: Misleading Ads Case: ‘અમારી ભૂલ થઇ ગઈ’ પતંજલિએ અખબારોમાં મોટી સાઈઝનું માફીનામું છપાવ્યું
સુપ્રીમ કોર્ટે જનતાને ગેરમાર્ગે દોરવા અને ગ્રાહકોના વિશ્વાસનો લાભ લેવા બદલ પતંજલિની ટીકા કરી અને કંપનીને અખબારોમાં માફી પત્ર પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો. કોર્ટે પતંજલિ સામે 1945ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ નિયમોનો અમલ ન કરવા બદલ કેન્દ્ર સરકારને ઠપકો પણ આપ્યો હતો.