Crime: યુપીમાં નવા વર્ષની શરૂઆત મહિલા અત્યાચારથી થઈ, ટ્રેનમાંથી મહિલાને ફેંકી દેવાઈ અને
કાનપુર: ગયા વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં જ અંજલિ નામની એક યુવતીને કારમાં ઢસડીને મારી નાખવાની ઘટના ઘટી હતી ત્યારે વર્ષ 2024માં પણ એક ક્રૂર ઘટના બહાર આવી છે, જેમાં મહિલાને નગ્ન હાલતમાં ટ્રેનમાંથી ફેંકી દેવાની શરમજનક ઘટના બની હતી.
કાનપુરમાં મંગળવારે સવારે એક મહિલાને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. જેના કારણે મહિલા ગંગા નદીમાં 80 ફૂટ નીચે પડી હતી. કોઈક રીતે તે નદી કિનારે આવી શકી અને અમુક લોકોની નજરમાં આવતા તેનો જીવ બચી ગયો. જોકે તે જ્યારે કિનારે આવી ત્યારે તેનાં શરીર પર એક પણ કપડું ન હતું અને ઈજાઓના નિશાન દેખાઈ રહ્યા હતા. અમુક લોકોએ તેને પહેરવા કપડા આપ્યા અને તે બાદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મહિલાના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. જેના કારણે તે પુલ નીચે ગંગા નદીમાં પડી હતી. નદીમાં પાણી ઓછું હતું. જેના કારણે તે કોઈક રીતે કિનારે પહોંચી ગઈ હતી. મહિલાની વાત સાંભળીને ખલાસીઓ એ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યારે પોલીસે તેને પૂછ્યું કે શું તેની સાથે કંઈક ખોટું થયું છે? આ અંગે મહિલા કોઈ સ્પષ્ટ જવાબ આપી શકી ન હતી. પોલીસનું કહેવું છે કે કદાચ મહિલા આઘાતમાં છે. આ કારણે તે કંઈ કહેવાની સ્થિતિમાં નથી. હવે તેની સારવાર કરવામાં આવશે. મહિલાની સાથે કંઈ ખોટું થયું છે કે કેમ તે જાણવા માટે તેની મેડિકલ તપાસ કરવામાં આવશે.
જ્યારે આ મામલે ગંગાઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર મહિલાને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે કાનપુર જીઆરપીના એસએચઓએ કહ્યું કે આ મામલો હજુ સુધી તેમના ધ્યાન પર આવ્યો નથી. તમને જણાવી દઈએ કે જે પુલ પરથી મહિલાને ફેંકવામાં આવી હતી તે કાનપુર જીઆરપી અને ઉન્નાવ પોલીસ બંને હેઠળ આવે છે.