ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે ? મોદી સરકારે શું આપ્યો જવાબ?

નવી દિલ્હી: કેટલાક સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે ગાયને ‘રાષ્ટ્રીય માતા’ માટે કે ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવામાં આવે, ભાજપ સહીત કેટલીક પાર્ટીના નેતાઓ જાહેર મંચ પરથી આ માંગ ઉઠાવી ચુક્યા છે. હવે આ મુદ્દો હવે સંસદમાં પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો કોઈ વિચાર નથી.
લોકસભાના સાંસદ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં. કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય પ્રધાન એસ પી સિંહ બઘેલે સંસદમાં જણાવ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કોઈ કાયદો ઘડવાનો કોઈ વિચાર નથી.

એસ પી સિંહ બઘેલે પ્રશ્નના જવાબમાં કહ્યું, “ના સાહેબ હાલ કોઈ વિચાર નથી, બંધારણના અનુચ્છેદ 246(3) મુજબ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય સત્તાઓના વિતરણ હેઠળ, પ્રાણીઓનું સંરક્ષણ એ એક એવો વિષય છ, જેના પર રાજ્ય વિધાનસભા પાસે કાયદો બનાવવાની વિશિષ્ટ સત્તા છે.”
ગાય સંવર્ધન માટે કેન્દ્રની યોજના;
એસ પી સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2014 થી રાષ્ટ્રીય ગોકુલ મિશન અમલ મુક્યું છે. જેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગાયોના સંવર્ધન, રક્ષણ અને ઉછેર માટે હાથ ધરવામાં આવેલ અભિયાનોને સમર્થન મળી શકે.
આ સાથે દૂધ ઉત્પાદન અંગે માહિતી આપતા એસ પી સિંહ બઘેલે ગૃહને માહિતી આપી હતી કે 2024 માં દેશના કુલ 239.30 મિલિયન ટન દૂધ ઉત્પાદનમાં ગાયના દૂધનો ફાળો 53.12 ટકા હતો, જ્યારે ભેંસના દૂધનો હિસ્સો 43.62 ટકા હતો.
આ પણ વાંચો…બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયોના શંકાસ્પદ મોત, તપાસ હાથ ધરાઇ…