Covid-19: કોરોનાએ વધાર્યુ ટેન્શન: 24 કલાકમાં ચાર મોત

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધતાં હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલ દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 605 દર્દીઓ નોંધાયા હતાં. દરમીયાન કોરોનાને કારણે 24 કલાકમાં 4 મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 605 નવા દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે ચારનું મોત થયું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોરોનાને કારણે થયેલ મૃત્યુમાં કેરલના બે અને કર્ણાટક તથા ત્રિપુરાના એક એક દર્દીઓનો સમાવેશ છે. આ ચાર દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક 5,33,396 પર પહોંચી ગયો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આપેલી જાણકારી મુજબ 7મી જાન્યુઆરી સુધી દેશમાં વેક્સીનના આ વર્ષની શરૂઆત થી 11,838 ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં જાન્યુઆરી મહિનો ચાલતો હોવાથી દેશમાં અનેક વિસ્તારોમાં ઠંડીનું વાતાવરણ છે. જેમ જેમ ઠંડીનું જોર વધે છે તેમ તેમ વાઇરસ જન્ય ઇન્ફ્લુએન્ઝા અને COVID-19ના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ 7 જાન્યુઆરીથી JN1 સબ વેરિયન્ટના કુલ 682 નવા કેસ નોંધાયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકમાં 199, કેરલમાં 148, મહારાષ્ટ્રમાં 139, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્ર પ્રદેશમાં 30, રાજસ્થાનમાં 30, તામીલનાડૂમાં 26, દિલ્હીમાં 21, ઓડિશામાં 3, તેલંગણા અને હરિયાણામાંથી 1-1 દર્દી મળી આવ્યા છે.