નેશનલ

‘મહિલાને ગર્ભાવસ્થા પૂર્ણ કરવા દબાણ ન કરી શકાય’ સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

નવી દિલ્હી: શુક્રવારે સુપ્રીમ કોર્ટે મહિલાઓના ગર્ભપાત માટેના અધિકાર અંગે મહત્વનું અવલોકન કર્યું હતું. એક કેસની સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા પૂર્ણ કરવા ફરજ ન પાડી શકાય. કોર્ટે સગીર વયે ગર્ભવતી બનેલી છોકરીને 30 અઠવાડિયાના ગર્ભના એબોર્શનની મંજૂરી આપી હતી.

બોમ્બે હાઈકોર્ટે સગીરાની મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) માટે અરજી નકારી કાઢી હતી, કોર્ટે ગર્ભપાતના બદલે બાળકને દત્તક લેવાના વિકલ્પ આપ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે આ આદેશને રદ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે કહ્યું કે, “કોર્ટ કોઈપણ મહિલાને ગર્ભાવસ્થા પૂર્ણ કરવા માટે ફરજ પાડી શકે નહીં, જો મહિલાનીઓ ઈચ્છા હોય તો અલગ બાબત છે.”

આ કેસમાં એક મિત્ર શારીરિક સંબંધને કારણે છોકરી 17 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ હતી અને હાલ તે 18 વર્ષ અને ચાર મહિનાની છે, તેની ગર્ભાવસ્થા 30 અઠવાડિયા સુધી પહોંચી હતી. સગીરાના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ગર્ભાવસ્થા પૂર્ણ કરવાની ફરજ પડાવીએ છોકરી માટે માનસિક અને શારીરિક બંને રીતે પીડાદાયક હશે.

મહિલાની ઈચ્છા સર્વોપરી:
મેડિકલ બોર્ડનો રિપોર્ટ વાંચ્યા બાદ બેન્ચે અવલોકન કર્યું કે ગર્ભપાતથી છોકરી માટે કોઈ ગંભીર જોખમ નથી. કોર્ટે સ્પષ્ટતા કરી કે મુદ્દો એ નથી કે સંબંધ સંમતિથી હતો કે નહીં, મુખ્ય વાત એ છે કે છોકરીને ગર્ભાવસ્થા ચાલુ રાખવાની ઈચ્છા નથી. કોર્ટ કોઈપણ સ્ત્રીને ગર્ભાવસ્થા પૂર્ણ કરવા માટે ફરજ પાડી શકે નહીં.

બેન્ચની આગેવાની કરી રહેલા જસ્ટિસ નાગરત્ને કહ્યું, “એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં MTP એક્ટ હેઠળ નિર્ધારિત સમય મર્યાદા બાદ ગર્ભપાતને મંજુરી આપવામાં આવે છે અને ડોકટરો કહે છે કે તેઓ આ કામ નહીં કરે. એવામાં તેઓ (મહિલા) ક્યાં જશે? અનધિકૃત ડોકટરો પાસે.”

MTP કાયદો શું છે?
ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) કાયદા હેઠળ ગર્ભવતી મહિલાને કેટલાક સંજોગોમાં 20 અઠવાડિયા સુધી ગર્ભપાતને મંજુરી આપી શકાય છે. 24 અઠવાડિયા સુધીના ગર્ભપાતની મંજુરી માટે મેડિકલ બોર્ડની સલાહ લેવી જરૂરી છે. 24 અઠવાડિયા પછી, ફક્ત કોર્ટ જ મંજૂરી આપી શકે છે.

આપણ વાંચો:  દિલ્હીમાં સુપરટેકની સ્કીમમાં ફસાયેલા 51 હજાર પરિવારોને ઘર મળશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button