રાજસ્થાનમાં મહિલાને નિર્વસ્ત્ર કરવા મામલે કોર્ટે ૧૭ લોકોને સજા ફટકારી
જયપુરઃ રાજસ્થાનમાં એક ૨૦ વર્ષીય સગર્ભા મહિલાને નિર્વસ્ત્ર કરીને નગ્ન પરેડ કરાવવાની ઘટનાના લગભગ એક વર્ષ બાદ જિલ્લા અદાલતે તેના પતિ સહિત ૧૪ પુરૂષોને ૭ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું છે કે તે મણિપુરમાં આચરવામાં આવેલા અપરાધની જેમ એક ‘જઘન્ય અપરાધ’ છે.
આ કેસમાં વિશેષ સરકારી વકીલ મનીષ નાગરે જણાવ્યું હતું કે પ્રતાપગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ રામકન્યા સોનીએ શનિવારે આ કેસમાં સામેલ ૩ મહિલાઓને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે અને પ્રાચીન ગ્રંથોમાં પણ મહિલાઓનું સન્માન કરવાનો ઉલ્લેખ છે, પરંતુ કળીયુગમાં પણ મહિલાઓ પર હિંસા અને અત્યાચાર ચાલુ છે.
ન્યાયાધીશે આદેશમાં કહ્યું કે આરોપીઓ દ્વારા મહિલા વિરુદ્ધ આચરવામાં આવેલો આ એક ગંભીર ગુનો હતો. મણિપુરમાં પણ આવો જ ઘૃણાસ્પદ અપરાધ કરવામાં આવ્યો હતો. આવા ગુનાઓથી મહિલાઓને ભાવનાત્મક ઠેસ પહોંચે છે. મહિલાઓ સામેના અપરાધને રોકવા માટે કડક પગલાં જરૂરી છે તો જ ગુનામાં ઘટાડો થશે.
આ પણ વાંચો: West Bengal માં BJPની મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરીને માર મરાયો, રાજકીય ઘમાસાણ
કોર્ટે પીડિતાના પતિ કાન્હા મીણા ઉપરાંત ખેતિયા મીણા, મોતીયા ઉર્ફે મોતીલાલ મીણા, પુનિયા મીણા, કેસરા ઉર્ફે કેસરીમલ મીણા, સૂરજ મીણા, પિન્ટુ મીણા, નાથુલાલ મીણા, મનારામ ઉર્ફે વેણીયા મીણા, નેતિયા મીણા, રૂપા મીણા, રામ મીણા, ગૌતમ મીણા, રામલાલ મીણા અને રમેશ મીણાને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. જ્યારે ત્રણ મહિલાઓ ઇન્દ્રા મીણા, મિર્કી મીણા અને ઝુમલી મીણાને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
નોંધનીય છે કે ગયા વર્ષે ૧ સપ્ટેમ્બરના રોજ મહિલાને નિર્વસ્ત્ર કરીને નગ્ન પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટના ૩૧ ઓગસ્ટના રોજ પ્રતાપગઢના ધારિયાવાડ શહેરના નિચલકોટા ગામમાં બની હતી. બાદમાં પીડિતાએ પતિ સહિત આરોપીએ સામે ફરિયાદ નોંધાવી હતી.