નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત: સાથે કોર્ટે આ મામલે ઝટકો પણ આપ્યો

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાન પર લેવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે ચાર્જશીટની જ્યુડીશીયલ નોટ લેવી અને ગાંધી પરિવારને સમન્સ પાઠવવું કાયદાકીય રીતે યોગ્ય નથી.
રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગને આ આદેશ આપ્યો હતો. ન્યાયધીશ ગોગને કહ્યું, “મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ(PMLA) હેઠળના ગુનાઓ સંબંધિત હાલની આ ફરિયાદ એક ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ (FIR) પર આધારિત નથી, તેથી તેને ધ્યાનમાં લેવી કાયદામાં અસ્વીકાર્ય છે”.
ED તપાસ નહીં કરી શકે:
કોર્ટે કહ્યું આ મામલે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW)એ અગાઉથી જ FIR નોંધી છે અને તપાસ કરી રહી છે, ત્યારે ED દ્વારા દાખલ કરવામાં આવેલી આ ચાર્જશીટ પર ધ્યાન આપવાનો કોઈ અર્થ નથી.
આદેશ વાંચતા ન્યાયધીશે જણાવ્યું કે સુબ્રમણ્યમ સ્વામીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસ અંગે ફરિયાદ કરી હતી. આ મામલે કોઈ FIR નોંધાઈ નથી. આથી આ કેસ કેસ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આવતો નથી, ED આ કેસની તપાસ કરી શકે નહીં.
કોર્ટે કહ્યું કે ED આગામી સુનાવણીની દરમિયાન વધુ દલીલો કરી શકે છે.
કોર્ટે આ મામલે ગાંધી પરિવારને ઝટકો આપ્યો:
એક તરફ કોર્ટે EDના કેસમાં ગાંધી પરિવારને રાહત આપી છે, તો બીજી તરફ દિલ્હી પોલીસે દાખલ કરેલા કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય 5 આરોપીઓને ઝટકો પણ આપ્યો. કોર્ટે એક અલગ આદેશમાં જણાવ્યું કે EOW દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ની નકલો આરોપીઓને નહીં મળે. જોકે, કોર્ટે આરોપીઓને કેસ સંબંધિત માહિતી મેળવી શકે એ માટે મંજૂરી આપી હતી.
અગાઉ, એક મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો હતો કે EOW દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ની નકલ આરોપીઓને આપવામાં આવે, આ ચચુકાદાને દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટ પડકાર્યો હતો. હવે રાઉઝ એવન્યુ કોર્ટે આ નિર્ણય ઉલટાવી દીધો. બેન્ચે જણાવ્યું હતું કે આરોપીઓને કેસની માહિતી આપી શકાય, પરંતુ નકલ આપવાની જરૂર નથી.
આ રાહત ગાંધી પરિવાર માટે કેમ મહત્વની?
ED ના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મળેલી રાહત ગાંધી પરિવાર માટે મહત્વની છે. અગાઉ ચર્ચા હતી કે ED રાહુલ અને સોનિયા ગાંધીની ધરપકડ કરી શકે છે, હવે કોર્ટે EDની ચાર્જશીટને ફગાવી દેતા ધરપકડનું જોખમ ટાળ્યું છે. દિલ્હી પોલીસે દાખલ કરેલી FIR હેઠળ તેમની તાત્કાલિક ધરપકડ થઇ શકે એમ નથી.
આ પણ વાંચો…નેશનલ હેરાલ્ડ કેસમાં થઈ ડીકે શિવકુમારની એન્ટ્રી: દિલ્હી પોલીસે નોટિસ મોકલીને માંગ્યો જવાબ



