દિલ્હી રમખાણોના કેસમાં આરોપી ઉમર ખાલિદને કોર્ટે રાહત ન આપી, જામીન અરજી ફગાવી
નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં ઉત્તર પૂર્વીય દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણો(Delhi Riots)માં આરોપી ઉમર ખાલીદ છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે. આજે મંગળવારે દિલ્હીની કરકરડૂમા કોર્ટ(Karkardooma court)એ જામીન અંગે નિર્ણય આપ્યો હતો, કોર્ટે ઉમરની જામીન અરજી ફગાવી દીધી છે. ઉમર ખાલીદ જવાહરલાલ નેહરુ યુનીવર્સીટીનો વિદ્યાર્થી રહી ચુક્યો છે. ઉમરે CAA વિરુદ્ધ શાહીનબાગ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
UAPA કેસ હેઠળ ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020 થી જેલમાં છે. પરંતુ કેસની ટ્રાયલ હજુ સુધી શરુ નથી થઇ, ખાલિદે આ કેસમાં વિલંબ અને અન્ય આરોપીઓ સાથે સમાનતાના આધારે નિયમિત જામીન માંગ્યા હતા. 13 મેના રોજ વિશેષ ન્યાયાધીશ સમીર બાજપાઈએ જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો : આગામી 1 જૂનથી ગેસના સિલન્ડરથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ સંલગ્ન થશે આ ફેરફારો….
દિલ્હી પોલીસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને અરજીને “વ્યર્થ અને પાયાવિહોણી” ગણાવી હતી. ત્યારે ઉમર ખાલિદના વકીલે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસની ચાર્જશીટમાં તેની વિરુદ્ધ કોઈ આતંકવાદી આરોપો મૂકવામાં આવ્યા નથી અને ડોક્યુમેન્ટ્સમાં તેનું નામ માત્ર વારંવાર લખવામાં આવ્યું છે. તેનું નામ પુનરાવર્તિત કરવાથી, જૂઠ સત્ય નથી બની જતું.
ખાલિદના વકીલે તેમના અસીલ વિરુદ્ધ મીડિયા ટ્રાયલનો પણ આરોપ લગાવ્યો હતો. વકીલે દલીલ કરી હતી કે નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઈકબાલ તન્હાને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, તેઓ સમાન ગુનાના આરોપી છે.
કોર્ટે ઉમર ખાલીદને જામીન આપ્યા ન હતા.