
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દિલ્હીની એક કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી (Notice to Sonia Gandhi and Rahul Gandhi)છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે બીજી વાર સુનાવણી થઈ હતી.
આ પહેલા 25 એપ્રિલે કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ પાઠવવાનો ઇનકાર કર્યો હતો. એ સમયે કોર્ટે EDને કેસ સાથે સંબંધિત વધુ દસ્તાવેજો લાવવા અને ખામીઓ દૂર કરવા કહ્યું હતું. હવે આ કેસમાં આગામી સુનાવણી 8 મેના રોજ થશે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે ચાર્જશીટ પર ધ્યાન આપતા સોનિયા અને રાહુલને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. સ્પેશીયલ કોર્ટના જજ વિશાલ ગોગણેએ કહ્યું કે કોઈપણ તબક્કે કેસ રજૂ કરવાનો અધિકાર એ નિષ્પક્ષ ટ્રાયલનો જીવ છે. કોર્ટે કહ્યું કે આજે સાંજ સુધીમાં આરોપીઓને નોટિસ મોકલવામાં આવે
આ નેતાઓ સામે પણ આરોપો:
નેશનલ હેરાલ્ડ કેસમાં ED એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ED એ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સેમ પિત્રોડા, સુમન દુબે સહિત ઘણા નેતાઓના નામ પણ સામેલ છે.
વર્ષ 2012 માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદથી નેશનલ હેરાલ્ડ કેસની શરૂઆત થઇ હતી. આ કેસ નેશનલ હેરાલ્ડ ન્યુઝ પેપર, તેના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે. નેશનલ હેરાલ્ડની સ્થાપના 1938 માં જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી અને તે સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલું હતું.
આ પણ વાંચો…ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યોઃ રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ