ફ્લોર ટેસ્ટ માટે હેમંત સોરેનને કોર્ટે આપી મંજૂરી
પાંચમી ફેબ્રુઆરીએ ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ
રાંચી: રાંચીની સ્પેશિયલ કોર્ટે શનિવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પાંચમી ફેબ્રુઆરીએ થનારી ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.
એડ્વોકેટ જનરલ રાજીવ રંજને આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આ અરજીનો વિરોધ કર્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે સોરેનની ધરપકડ સરકાર પાડવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હવે ઇડીનું બિલાડું કોથળામાંથી બહાર નીકળી ગયું છે. એક વિધાનસભ્યને ફ્લોર ટેસ્ટમાં મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવાની પરવાનગી ન આપીને સરકાર ઉથલાવવાનો ઉદ્દેશ હતો. આ આખું પ્રકરણ પાછળ મેલી મુરાદ હોવાનું અમે પહેલાથી જ કહી રહ્યા હતા.
પાંચમી ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટનું મતદાન થશે અને આ આખી પ્રક્રિયામાં હેમંત સોરેન ભાગ લઇ શકશે, તેમ જ પ્રક્રિયા ચાલે ત્યાં સુધી તે ત્યાં હાજર રહી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હેમંત સોરેન તપાસમાં દખલ નથી દઇ રહ્યા તેથી વિધાનસભાની કોઇપણ કાર્યવાહી અંગે વાંધો ઉઠાવવાનો ઇડીને કોઇ અધિકાર નથી. અમારી અરજી અદાલતે મંજૂર કરી છે.