કાળજું કંપાવી દે તેવો હત્યાકાંડ; દંપતીના મૃતદેહ રૂમમાંથી અને 3 દીકરીઓના મૃતદેહ બેડ બોક્સમાંથી મળ્યા
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા થતા ખળભળાટ મચી (Meerut mass murder) ગયો હતો. એક બંધ ઘરમાંથી પતિ, પત્ની અને તેમની ત્રણ દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ હત્યાકાંડનો કેસ ઉકેલવા પોલીસ સતત તાપસ કરી રહી છે. જે સંજોગોમાં મૃતદેહો મળી આવ્યા હતાં, તે જોતાં એવું લાગે છે કે હત્યારાઓ આ મૃતદેહોને બીજે ક્યાંક લઈ જઈને નિકાલ કરવા માંગતા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આવી હાલતમાં મળ્યા મૃતદેહ:
અહેવાલો મુજબ આ ઘટના મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોહેલ ગાર્ડનમાં બની હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાં રહેલી બધી વસ્તુઓ વેરવિખેર જોવા મળી. પતિ-પત્નીના મૃતદેહ રૂમની અંદર હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં, જ્યારે ત્રણ પુત્રીઓના મૃતદેહ બેડ નીચેના બોક્સમાંથી મળી આવ્યા હતા. આ માહિતી મળતા જ ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
મૃતક દંપતીની ઓળખ મોઈન અને અસ્મા તરીકે થઇ છે, દીકરીઓના નામ અફશા (8), અઝીઝા (4) અને અદીબા (1) હોવાની જાણ થઇ છે. મૃતક દંપતીના સંબંધીઓએ જણાવ્યું હતું કે આ મોઈનના ત્રીજા લગ્ન હતા, જ્યારે આસ્માના બીજા લગ્ન હતા.
ઘરનો દરવાજો બંધ મળ્યો:
મૃતક મોઈન મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવાર બુધવાર સાંજથી ગુમ હતો. ગુરુવારે તેમના ઘરમાંથી તેમના મૃતદેહો મળી આવ્યા. આ ઘટના બાદ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. સવારથી જ સગાસંબંધીઓ ફોન કરી રહ્યા હતા, પણ ફોન ઉપાડવામાં ન આવતા શંકા ગઈ હતી.
ઘરની અંદર ભયાનક દ્રશ્યો:
આ પછી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. કેટલાક પોલીસકર્મીઓ છત પરથી ઘરની અંદર પહોંચ્યા અને કેટલાક પોલીસકર્મીઓ દરવાજાનું તાળું તોડીને અંદર ગયા. અંદર જઈને પોલીસકર્મીઓએ જોયું કે બધો સામાન જમીન પર વેરવિખેર હતો. કપડાં વેરવિખેર પડેલા હતા. રૂમમાં લોહી પણ ફેલાયેલું હતું. વસ્તુઓ રાખવા માટે પલંગમાં એક બોક્સ હતું અને છોકરીઓના મૃતદેહ પલંગની અંદરના બોક્સમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે મોઈન અને તેની પત્નીના મૃતદેહ પલંગની નજીક હતા.
જવાબદાર કોણ! તિરુપતિ મંદિરમાં નાસભાગ મામલે 2 FIR નોંધવામાં આવી
પોલીસની કાર્યવાહી:
માહિતી મળ્યા બાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પુરાવા એકત્રિત કર્યા. પોલીસને ત્રણેય છોકરીઓના મૃતદેહ બેડ બોક્સની અંદરથી મળી આવ્યા. સૌથી નાની છોકરીનો મૃતદેહ એક કોથળામાંથી મળી આવ્યો હતો, જે પલંગના બોક્સમાં રાખવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કેટલાક શંકાસ્પદોની અટકાયત પણ કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.