દેશ કૉંગ્રેસને તેના પાપો માટે સજા આપી રહ્યો છે: નરેન્દ્ર મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલોરમાં કૉંગ્રેસની અત્યંત કઠોર શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દેશ કૉંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે. એક સમયે જે પાર્ટીએ 400 બેઠકો પર વિજય મેળવ્યો હતો તેની હાલત એવી છે કે તેઓ 300 ઉમેદવાર પણ ઊભા રાખી શકતી નથી.
મતદાનના પહેલા તબક્કામાં અડધા રાજસ્થાને કૉંગ્રેસને સજા આપી છે. આ રાજસ્થાનની ધરતી દેશભક્તિથી ભરેલી છે. તેમને ખબર છે કે કૉંગ્રેસ ક્યારેય દેશને મજબૂત બનાવી શકશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આપણો દેશ 2014 પહેલાં જે સ્થિતિ પ્રવર્તી રહી હતી તે ફરી લાવવા માગતો નથી.
આપણ વાંચો: આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
કૉંગ્રેસે વંશવાદ અને ભ્રષ્ટાચારની ઉધઈ છોડીને દેશને ખોખલો બનાવી દીધો હતો. અત્યારે લોકોને કૉંગ્રેસ પર ગુસ્સો છે અને તેમને તેમના પાપોની સજા આપી રહ્યો છે.
કૉંગ્રેસ પાર્ટી પોતાની હાલની સ્થિતિ માટે પોતાની જાતને જ દોષ આપી શકે છે. એક સમયે જે પાર્ટી 400 બેઠકો પર જીતી હતી તે આજે 300 બેઠક પર લડી શકવાની ક્ષમતા ધરાવતી નથી.
વડા પ્રધાન મોદી ભીનમાલ બેઠક માટેના પ્રચાર માટે જાલોરમાં આવ્યા હતા. રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠક છે, જેમાંથી 12 બેઠક પર પહેલા તબક્કામાં મતદાન થયું હતું અને 26 એપ્રિલના બીજા તબક્કામાં બાકીની 13 બેઠક પર મતદાન થશે. (પીટીઆઈ)