હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી: હવે સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા...

હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી: હવે સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા…

નવી દિલ્હી: કોરોનાકાળ બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા હતા. ઘણા લોકો હાર્ટ એટેક માટે કોરોનાની વેક્સિનને જવાબદાર ગણાવી રહ્યા હતા. પરંતુ હવે સરકારે સંસદમાં ખુલાસો કર્યો છે કે, કોરોનાની રસીને કારણે હાર્ટ એટેક આવતો નથી.

આરોગ્ય પ્રધાને જણાવ્યું હાર્ટ એટેકનું કારણ
આજે લોકસભામાં આરોગ્ય પ્રધાનને કોરોના વેક્સિન અને હાર્ટ એટેકના હુમલા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, “વર્ષ ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2023 વચ્ચે ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યા હતા. જેમની ઉંમર 18 થી 45 વર્ષ વચ્ચેની હતી. આ એવા દર્દીઓ હતા જેમને ICMR-NIE દ્વારા હાર્ટ એટેકના કારણો જાણવા માટેના અભ્યાસ હેઠળ ‘એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ (AMI) સાથે દાખલ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ માટે સમગ્ર દેશમાંથી 25 હૉસ્પિટલોની પસંદગી કરવામાં આવી હતી.”

હાર્ટ એટેકના લક્ષણો ધરાવે છે AMIના દર્દીઓ
જે.પી. નડ્ડાએ આગળ જણાવ્યું કે, “AMI સાથે દાખલ થવાનો અર્થ છે કે દર્દી અગાઉથી જ રક્ત વાહિનીમાં લોહી ગંઠાવાનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતા તથા ધૂમ્રપાન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. કોવીડ-19ના રસીકરણનો AMIના જોખમો પર કોઈ પ્રભાવ પડ્યો નથી.”

ઉલ્લેખનીય છે કે, AMI ને સામાન્ય રીતે હાર્ટ એટેક તરીકે ઓળખવામાં આવે છે. AMIની સ્થિતિ જ્યારે સર્જાય છે, ત્યારે હૃદયના સ્નાયુના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય છે અથવા સંપૂર્ણપણે અવરોધિત થઈ જાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button