
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણે ફરીવાર ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 841 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 227 દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત કોરોનાના 4,309 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના ચેપને કારણે 3 લોકોના મોત થયા છે. કેરળ, કર્ણાટક અને બિહારમાં એક-એક વ્યક્તિનું સંક્રમણથી મોત થયું છે.
આ પહેલા 19 મેના રોજ દેશમાં કોરોના વાઇરસના 865 કેસ નોંધાઇ ગયા હતા. એ પછી ધીમે ધીમે કેસની સંખ્યા ઘટવા લાગી હતી, જો કે હાલમાં ઠંડીને કારણે તેમજ કોરોના વાઇરસના નવા પેટા પ્રકાર JN.1ના સંક્રમણને કારણે ફરી કેસ વધી રહ્યા છે.
વર્ષ 2020 ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ ચાર વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને તેના કારણે 5.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં સંક્રમણમાંથી સારવાર મેળવીને સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 4.4 કરોડને વટાવી ગઈ છે. તેમજ દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાઇરસના નવા પેટાપ્રકાર JN.1ના ઝડપી ફેલાવાને કારણે ‘વિશેષ જોખમ’ તરીકે વર્ગીકૃત કર્યું છે, જો કે તે વૈશ્વિક જાહેર આરોગ્ય માટે ‘ઓછું’ જોખમ ઊભું કરે છે. દેશમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો અને JN.1 પેટા પ્રકારની હાજરીની પુષ્ટિ થતાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા જણાવ્યું છે.