બેંગલુરુમાં મટનના નામે કૂતરાનું માંસ વેંચવાને લઈને વિવાદ: લેબ રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં મટનના નામે કૂતરાનું માંસ વેચવાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચારે ખળભળાટ મચી ગયો હતો, જો કે ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનથી કૂતરાનું માંસ લાવીને બેંગલુરુમાં મટનના નામે વેચાતું હોવાના રિપોર્ટ પર પોલીસ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નું કહેવું છે કે માંસના નમૂનાને પરીક્ષણ માટે ફૂડ લેબમાં મોકલવામાં આવ્યા છે.
હકીકતમાં એવો આરોપ થઈ રહ્યો છે કે રાજસ્થાનથી ટ્રેન મારફતે કૂતરાના માંસનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે અને બેંગલુરુમાં મટનના નામે વેચવામાં આવી રહ્યો છે. જ્યારે એક પ્રાદેશિક મીડિયાએ આ અંગે સ્ટોરી ચલાવી તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ પછી FSSAIની ટીમે યશવંતપુર રેલવે સ્ટેશન પર પહોંચીને તપાસ શરૂ કરી અને સેમ્પલ લીધા હતા. એફએસએસએઆઈની ટીમ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોણ લેશે આનંદીબેનની જગ્યાઃ રાજ્યપાલની રેસમાં આ નેતાઓના નામ મોખરે
સૂત્રોના પાસેથી મળતી વિગતો અનુસાર, જે પ્રાણીનું માંસ લઈ જવામાં આવ્યું હતું તેની પૂંછડી ઘેટાં કે બકરી કરતાં લાંબી હતી, જેના કારણે કેટલાક લોકોને શંકા ઊપજી હતી કે તે કૂતરાનું માંસ છે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે રાજસ્થાનમાં જોવા મળતા ઘેટા-બકરાની પૂંછડી સરેરાશ લાંબી જ હોય છે, જેના કારણે આ શંકા ઉભી થઈ છે. જો કે તે ખરેખર મટન માંસ છે કે કેમ? તે મામલે લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
બેંગલુરુ સિટી રેલ્વે સ્ટેશન પર શુક્રવારે રાત્રે જયપુરથી આવેલી ટ્રેનમાંથી લગભગ 150 ડબ્બાઓમાં ભરેલ ત્રણ ટન માંસનો માલસામાન આવ્યો ત્યારે તંગદિલીનું વાતાવરણ સર્જાયુ હતું. જે બાદ આ માંસને કૂતરાનું માંસ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આ માંસ કોનું છે તે બાબતનું સ્પષ્ટ પરિણામ લેબ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.