નેશનલ મેડિકલ કમિશનના લોગોમાં હિન્દુ દેવતાની છબી અંગે વિવાદ
નેશનલ

નેશનલ મેડિકલ કમિશનના લોગોમાં હિન્દુ દેવતાની છબી અંગે વિવાદ

નવી દિલ્હી: નેશનલ મેડિકલ કમિશ(NMC)ના નવા લોકો બાબતે વિવાદ ઉભો થયો છે. નવા લોગોમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકની જગ્યાએ હિન્દુ દેવતા ધન્વંતરીની રંગીન છબી અને ઇન્ડિયાની જગ્યા ‘ભારત’ શબ્દ ઉમેર્યા બાદ વિવાદ ઉભો થયો છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ધન્વંતરી આયુર્વેદના દેવ છે.

મેડિસિન પ્રેક્ટિશનર્સ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદી નેતા થોમસ આઈઝેકે ગુરુવારે નેશનલ મેડિકલ કમિશનના લોગોમાં થયેલા ફેરફારોની ટીકા કરતા કહ્યું કે ‘આ સ્યુડોસાયન્સ નરકના વર્તુળમાં ભારતના નિર્લજ્જપૂર્વક પ્રવેશનો સંકેત આપે છે.’ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેરળ યુનિટે કહ્યું કે મેડિકલ ક્ષેત્રમાં જાતિ અથવા ધાર્મિક વિચારોને રજૂ કરવાનું પગલું બિલકુલ સ્વીકાર્ય નથી.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેરળ યુનિટે જણાવ્યું હતું કે નવો લોગો ખોટો સંદેશ આપે છે અને તે કમિશનના વૈજ્ઞાનિક અને બિનસાંપ્રદાયિક સ્વભાવને નુકસાન પહોંચાડશે. એસોસિએશનના સભ્યોએ પહેલેથી જ આ અસ્વીકાર્ય પગલા સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, અને અમે આ નિર્ણયની સખત નિંદા કરીએ છીએ અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરીએ છીએ.

નેશનલ મેડિકલ કમિશનના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડના સભ્ય યોગેન્દ્ર મલિકે દાવો કર્યો હતો કે લોગો બદલાયો નથી. તેમણે કહ્યું કે ધન્વંતરીની છબી બ્લેક એન્ડ વ્હાઇટમાં હતી, અને પ્રિન્ટઆઉટમાં તે સ્પષ્ટ દેખાતી ન હતી, હવેના લોગોમાં તે રંગીન કરવામાં આવી છે, માત્ર એક જ તફાવત છે. રાષ્ટ્રીય પ્રતીક ક્યારેય NMCનો લોગો ન હતો. ધન્વંતરીની છબી છેલ્લા એક વર્ષથી લોગો પર હતી.

મેડિકલ રેગ્યુલેટર NMCની ઓફિશિયલ વેબસાઈટ પર બદલાયેલો લોગો જોઈ શકાય છે પરંતુ X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાર સિંહ દર્શાવતું જૂનું વર્ઝન જ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નામ હવે ‘આયુષ્માન આરોગ્ય ટેમ્પલ’ રાખવામાં આવશે.કેન્દ્રએ આ વર્ષના અંત સુધીમાં નામ બદલવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલ્યો છે. આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને સત્તાવાર વેબસાઇટ પર રિબ્રાન્ડેડ આરોગ્ય કેન્દ્રોના ફોટા અપલોડ કરવા જણાવ્યું હતું.

થોમસ ઇસાકે આ પગલાને “અતિ રાષ્ટ્રવાદનું સૌથી ખરાબ સ્વરૂપ ગણાવ્યું હતું” તરીકે વર્ણવ્યું હતું.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button