CRPFના લેટર બાદ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર વિવાદ: ભાજપે કરી તપાસની માંગ | મુંબઈ સમાચાર
નેશનલ

CRPFના લેટર બાદ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર વિવાદ: ભાજપે કરી તપાસની માંગ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નામે સમયાંતરે એક નવો વિવાદ સામે આવી જાય છે. હવે રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસને લઈને નવા વિવાદમાં ફસાયા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા તેમના પર સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેને લઈને ભાજપે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર સવાલો ઊઠાવ્યા છે.

113 વખત કર્યું નિયમોનું ઉલ્લંઘન

CRPFએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યું છે કે, “રાહુલ ગાંધીએ છેલ્લા 9 મહિનામાં 6 વખત જાણ કર્યા વિના વિદેશ પ્રવાસ કર્યો હતો, જે Z+ શ્રેણીની સુરક્ષા માટે જોખમી છે.” CRPFના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધીમાં 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. CRPFએ રાહુલના તાજેતરના વિદેશ પ્રવાસો જેવા કે, 30 ડિસેમ્બરથી 9 જાન્યુઆરીના ઇટાલી પ્રવાસ, 12 થી 17 માર્ચના વિયેતનામ પ્રવાસ, 17 થી 23 એપ્રિલના દુબઈ પ્રવાસ, 11 થી 18 જૂનના કતાર પ્રવાસ, 25 જૂનથી 6 જુલાઈના લંડન પ્રવાસ, 4 થી 8 સપ્ટેમ્બરના મલેશિયા પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. CRPFએ આ પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે રાહુલ ગાંધી તેમની પોતાની સુરક્ષા પ્રત્યે ગંભીર નથી.

ભાજપે કરી તપાસની માંગ

CRPFના પત્ર બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ CRPFના પત્ર મોકલવાના સમય પર સવાલ ઉઠાવ્યા છે. પવન ખેરાએ એક્સ પર લખ્યું હતું કે, “રાહુલ ગાંધી ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કેટલાક વધુ ખુલાસા કરવાના છે. આથી, તેમનો અવાજ દબાવવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે. શું સરકાર રાહુલના ખુલાસાથી ડરી ગઈ છે?”

ભાજપે CRPFના લેટર મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો છે કે, રાહુલ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન શું છુપાવી રહ્યા છે? કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે તપાસની માંગ કરતા કહ્યું કે, “રાહુલ ગાંધીને સુરક્ષા મળે છે, છતાં તેઓ પ્રોટોકોલનું પાલન કરતા નથી. જો તેઓ અંગત કારણોસર વિદેશ જાય છે, તો તેનો ખુલાસો કરવો જોઈએ. નહીંતર, સરકારે એક તપાસ સમિતિ રચવી જોઈએ જેથી તેમના વિદેશ પ્રવાસ પાછળનું કારણ જાણી શકાય.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button