વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિરટોપ પહેરાવાતા વિવાદ
શરદ પવારે વાંધો ઉઠાવતા છત્રપતિ શિવાજીનું અપમાન ગણાવ્યું
Mumbai: અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના સાંસદ પ્રફુલ્લ પટેલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિરટોપ(છત્રપતિ શિવાજી મહારાજ પહેરતા હતી એ પ્રકારની ટોપી) પહેરાવવામાં આવતા વિવાદ ઊભો થયો છે.
શરદચંદ્ર પવાર જૂથની એનસીપીના વડા શરદ પવારે વડા પ્રધાન મોદીને પહેરાવવામાં આવેલી જિરટોપ સામે વાંધો ઉઠાવ્યો છે. શરદ પવારે પ્રફુલ્લ પટેલની ટીકા કરતા કહ્યું હતું કે દિલ્હીની ગાદીની સામે મહાયુતિના નેતાઓ એટલા લાચાર થઇ ગયા છે અને તેના કારણે મહારાષ્ટ્રની છબી ખરાબ થઇ રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતા ત્યાં સુધી ચૂપ નહીં બેસે જ્યાં સુધી મહારાષ્ટ્રની અવહેલના કરનારી મહાયુતિને અને ભાજપને પાઠ નહીં ભણાવે. જિરટોપ મહારાષ્ટ્રનો ઇતિહાસ છે. આ જિરટોપ છત્રપતિ શિવાજી મહારાજ પહેરતા એટલે ઓળખાતો હતો. મજબૂરીની પણ કોઇ સીમા હોય છે. આ લોકો બધી જ સીમાઓ ભૂલી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારબાદ તેમને પ્રફુલ્લ પટેલે જિરટોપ પહેરાવી હતી.
શરદ પવારે કરેલી ટીકા બાદ પ્રફુલ્લ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રફુલ્લ પટેલે ટીકાનો જવાબ આપતા જણાવ્યું હતું કે હિંદુ સ્વરાજ્યનું સંસ્થાપક, યુગપુરુષ છત્રપતિ શિવાજી મહારાજ અમારા આદર્શ અને પ્રેરણા છીએ. અમે તેમના આદર્શ અને લોક કલ્યાણના માર્ગ પર ચાલવા માટે દૃઢ છીએ. અમારા મનમાં ક્યારેય પણ એવી કોઇ વાત ન આવી શકે જેનાથી છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થાય.