શારીરિક ઈચ્છાઓ પર નિયંત્રણ; હાઈ કોર્ટના ચુકાદા મુદ્દે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી…
પશ્ર્ચિમ બંગાળની સરકાર પાસે માંગ્યો જવાબ...

નવી દિલ્હી: શારીરિક સતામણીના એક કેસમાં કોલકાત્તા હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલી એક ટિપ્પણી પણ નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે ચુકાદો આપતી વખતે ન્યાયાધીશોએ પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કરવાનું કે ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ. હાઈ કોર્ટની ટિપ્પણી માત્ર બિનજરૂરી અને વાંધાજનક નથી, પરંતુ કલમ 21 હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે.
18 ઓક્ટોબરના રોજ કોલકાત્તા હાઈ કોર્ટે સગીરની શારીરિક સતામણીના કેસમાં ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટના જસ્ટિસ ચિત્તરંજન દાસ અને પાર્થસારથી સેને પોક્સો એક્ટની કલમો હેઠળ સગીર છોકરીનું શારીરિક શોષણ કરવાના આરોપી છોકરાને નિર્દોષ જાહેર કર્યો હતો. બંને વચ્ચેની પરસ્પર સહમતિના આધારે જજોએ આ ચુકાદો આપ્યો હતો. એટલું જ નહીં ન્યાયાધીશોએ યુવાનોને ઘણી સલાહ પણ આપી હતી.
હાઈ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે છોકરીઓએ તેમની શારીરિક ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ અને બે મિનિટના આનંદ માટે પોતાની જિંદગી ખરાબ ના કરવી જોઇએ. તેમજ હાઈ કોર્ટે છોકરાઓને પણ સલાહ આપી હતી કે તેઓ પણ છોકરીઓની ગરિમાનું સન્માન કરે.
હાઈકોર્ટના આ ચુકાદાની જાણકારી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ ઘટના બાબતે સુઓ મોટો દાખલ કર્યો હતો. અને સર્વોચ્ચ કોર્ટે કહ્યું હતું કે આ પઆકારની ટિપ્પણીઓ બંધારણની કલમ 21 હેઠળ ટીનેજરોના અધિકારોનું ઉલ્લંઘન છે. કેસની આગામી સુનાવણી ચાર જાન્યુઆરીએ કરવામાં આવશે.