જાસૂસી કેસ: કન્ટેન્ટ ક્રિએટર જ્યોતિ મલ્હોત્રાના રિમાન્ડમાં 4 દિવસનો વધારો

હિસારઃ હરિયાણાની એક કોર્ટે ગુરૂવારે કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ્યોતિ મલ્હોત્રાના પોલીસ રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કર્યો છે. આ માહિતી એક પોલીસ પ્રવક્તાએ આપી હતી.
જાસૂસીના શંકાસ્પદ આરોપસર ધરપકડ કરાયેલ ૩૩ વર્ષીય યુટ્યુબરને તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડના અંતે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જાસૂસીની શંકાના આરોપસર છેલ્લા બે અઠવાડિયામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા ૧૨ લોકોમાં મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. તપાસકર્તાઓને ઉત્તર ભારતમાં પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કની હાજરીની શંકા છે.
હિસારની મૂળ વતની જ્યોતિ મલ્હોત્રા ‘ટ્રાવેલ વિથ જેઓ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતી હતી. ગયા અઠવાડિયે તેની ન્યૂ અગ્રસેન એક્સટેન્શનથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સત્તાવાર ગુપ્તતા અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઇઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
હિસાર પોલીસે બુધવારે જણાવ્યું કે મલ્હોત્રા પાસે લશ્કરી કે સંરક્ષણ સંબંધિત કોઇ પણ માહિતીની પહોંચ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. પરંતુ તેમણે કહ્યું કે તે ચોક્કસપણે કેટલાક લોકોના સંપર્કમાં હતી એ જાણવા છતાં કે તેઓ પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તે નવેમ્બર ૨૦૨૩થી પાકિસ્તાન હાઇ કમિશનના એક કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતી. ભારતે ૧૩ મેના રોજ જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર દાનિશને હાંકી કાઢ્યો હતો.
આ પણ વાંચો…ISIનો એજન્ટ નીકળ્યો દાનિશ, જ્યોતિ મલ્હોત્રા સાથેના સંબંધો મામલે મોટો ખુલાસો