PVR INOXને લાંબી જાહેરાતો બતાવવા બદલ રૂપિયા એક લાખનો દંડ, ગ્રાહક કોર્ટે આપ્યો ફટકો

બેંગલૂરુઃ થિયેટરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા લાંબી જાહેરાતો બતાવવાની પરંપરા હવે મોંઘી સાબિત થઈ શકે છે. બેંગલૂરુની ગ્રાહક કોર્ટે સિનેમા ઘરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા બતાવવામાં આવતી જાહેરાતોને ગ્રાહકોનો સમયનો બગાડ ગણાવી છે અને જણાવ્યું છે કે જાહેરાતો ચલાવીને ફિલ્મના પ્રદર્શનમાં વિલંબ કરવો એ અન્યાયી વેપાર પ્રથા છે. અદાલતે PVR સિનેમા અને PVR INOX સિનેમા ને રૂ.એક લાખથી વધુનો દંડ ફટકાર્યો છે.
બનાવની વિગત :-
આ ઘટના 26 જાન્યુઆરી 2023ની છે. અભિષેક નામનો એક વ્યક્તિ તેના પરિવારના બે સભ્યો સાથે વિકી કૌશલની સેમ બહાદુર ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મ શરૂ થતા પહેલા આવતી એક પછી એક જાહેરાતો તે કંટાળી ગયો હતો અને તેણે બેંગ્લોરમાં ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે ફિલ્મ પછી બીજા મહત્વપૂર્ણ સ્થળે પહોંચવામાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો. અભિષેકે બુક માય શો અને PVR INOX સિનેમાસામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે જાહેરાતોને કારણે ફિલ્મ અડધો કલાક મોડી શરૂ કરવામાં આવી હતી, જેને કારણે ફિલ્મના શો પછી તેને માટે કામ પર જવાનું મુશ્કેલ બન્યું હતું.
થિયેટરમાં સાંજે 4.05 વાગ્યાથી લઈને 4.28 વાગ્યા સુધી અન્ય ફિલ્મોની જાહેરાતો અને ટ્રેલર બતાવવામાં આવ્યા હતા અને ફિલ્મ છેક 4:30 વાગે શરૂ કરવામાં આવી હતી. અભિષેકે જણાવ્યું હતું કે ફિલ્મ સાંજે 4.05એ શરૂ થવાની હતી પરંતુ આવી જાહેરાતોથી થિયેટરએ 25 મિનિટથી વેડફી કાઢી હતી.
કોર્ટે શું નિર્ણય લીધો? :-
કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના માટે બુક માય શોને દોષિત ઠેરવી શકાય નહીં કારણકે તેનું ફિલ્મના શોના સમય અથવા ફિલ્મના શો પહેલા પ્રસારિત થતી જાહેરાતો પર કોઈ નિયંત્રણ નથી. તે જ સમયે PVR અને INOXને તેમણે દોષિત ફેરવ્યા હતા અને જણાવ્યું હતું કે થિયેટર માલિકો ફિલ્મ પ્રદર્શનના નિર્ધારિત સમય દરમિયાન લાંબી જાહેરાતો બતાવીને દર્શકોનો સમય બગાડે છે.
PVRએ શું કહ્યું? :-
PVRએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા ફરજિયાત PSA ફિલ્મ સ્ક્રિનિંગ પહેલા ચલાવવામાં આવે છે, પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે સરકારને માર્ગદર્શિકા પણ કહે છે કે આ 10 મિનિટથી વધુ સમય ચલાવવાની જરૂર નથી.
અભિષેકે ફિલ્મ પહેલા બતાવવામાં આવેલી જાહેરાતો રેકોર્ડ કરી હતી જેનો ઉલ્લેખ કરતા PVRએ જણાવ્યું હતું કે તેણે ફિલ્મ એન્ટી પાયરસી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જોકે અદાલતે કહ્યું હતું કે તેણે ફક્ત ફિલ્મ પહેલા ચલાવવામાં આવેલી જાહેરાતો જ રેકોર્ડ કરી છે અને તે પણ તેણે સારા કારણોસર કર્યું છે. તેણે ફિલ્મ રેકોર્ડ કરી નથી. અન્ય ઘણા ફિલ્મ જોનારાઓ પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેથી અભિષેકની કામગીરીને ગેરકાયદેસર ગણી શકાય નહીં.
Also read: થિયેટરોમાં આ મહિને રિલીઝ થશે ૭ બોલીવુડ ફિલ્મો
થિયેટર ચેઇને એવી દલીલ પણ કરી હતી કે જાહેરાતો ચલાવવાથી તેમના શો માટે મોડા આવનારા દર્શકોને સમાવવામાં મદદ મળે છે, જેના જવાબમાં અદાલતે જણાવ્યું હતું કે જે દર્શકો થિયેટરમાં વહેલા આવીને બેઠા છે, તેમને લાંબા સમય સુધી વ્યાપારી જાહેરાતો દર્શાવી અને તેમના સમયનો બગાડ કરવો અન્યાયી છે.
કોર્ટે શું દંડાત્મક કાર્યવાહી કરી?:-
કોર્ટે થિયેટર ચેઇનને ફરિયાદીને માનસિક યાતનાના વળતર પેઠે 20 હજાર રૂપિયા અને મુકદ્દમાના ખર્ચ પેટે 8000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગ્રાહક કલ્યાણ ભંડોળમાં એક લાખ રૂપિયાની રકમ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો હતો. આ રકમ 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે નહીં તો 10% વાર્ષિક વ્યાજ વસૂલવામાં આવશે એમ કોર્ટે જણાવ્યું હતું.