
નવી દિલ્હી: લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય કેબિનેટે આખરે 8માં કેન્દ્રીય પગાર પંચ (Eighth Central Pay Commission)ની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં સુધારો લાવવાનો માર્ગ મોકળો કરશે. આ નવા કેન્દ્રીય પગાર પંચનો અમલ ક્યારે કરવામાં આવશે, આવો જાણીએ.
50 લાખ કર્મચારીઓને મળશે લાભ
જાન્યુઆરી, 2025માં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ, સરકારે હવે સત્તાવાર રીતે પંચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈને આ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આપણ વાચો: આઠમા પગાર પંચમાં પેન્શનરોને મળી શકે છે રાહત, સરકારે આપ્યો આ સુધારો કરવાના સંકેત
તેમની સાથે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ-ટાઇમ સભ્ય અને પેટ્રોલિયમ સચિવ પંકજ જૈનને સભ્ય-સચિવ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. જસ્ટિસ દેસાઈની નિમણૂક સાથે, કમિશને તાત્કાલિક ધોરણે તેનું કાર્ય શરૂ કરી દીધું છે.
આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને અખિલ ભારતીય સેવાઓના સભ્યોના પગાર, ભથ્થાં અને સેવા શરતોની વ્યાપક સમીક્ષા કરશે. કમિશનને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
આપણ વાચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, વધી શકે છે મોંઘવારી ભથ્થું
8માં કેન્દ્રીય પગાર પંચનો ક્યારે થશે અમલ
કમિશનની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની અપેક્ષા છે. આ નિર્ણયથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થવાની શક્યતા છે, જેઓ વર્તમાન મોંઘવારીના વાતાવરણમાં પગાર સુધારાની રાહ જોઈ રહ્યા હતા.
પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ વિશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યો હતો કે વચગાળાનો અહેવાલ રજૂ થયા પછી ચોક્કસ તારીખ નક્કી થશે, પરંતુ 1 જાન્યુઆરી, 2026ની શક્યતા વધુ છે.



