‘સંવિધાન ગમે તેટલું ખરાબ હોય, તેને ચલાવનારા સારા હોવા જોઈએ’, અમેરિકામાં CJI ચંદ્રચુડનું નિવેદન

ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે અમરિકાના મેસેચ્યુસેટ્સના વોલ્થમમાં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ‘ડૉ. બીઆર આંબેડકરનો અપૂર્ણ વારસો’ વિષય પર મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે બંધારણ ભલે ગમે તેટલું ખરાબ હોય, પરંતુ તેણે ચલવવાવાળ કુશળ હોય સારા પરિણામ પણ આવી શકે છે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે સમગ્ર ઇતિહાસમાં, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક જૂથોએ ભયંકર અને ગંભીર ભૂલોનો સામનો કર્યો છે, જે ઘણીવાર પૂર્વગ્રહ અને ભેદભાવ જેવી બાબતોને કારણે ઉદ્ભવે છે. તેમણે કહ્યું કે ભારતમાં જાતિગત અસમાનતા પછાત જાતિના લાખો લોકોને અસર કરી રહી છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જાતિ-આધારિત ભેદભાવને પ્રતિબંધિત કાયદાઓ હોવા છતાં સંરક્ષિત સમુદાયો સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડૉ. આંબેડકરના બંધારણવાદના વિચારે ભારતીય સમાજમાં ઊંડી જડાઈ ગયેલી જાતિ પ્રથાને દૂર કરીને અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો માટે સામાજિક, આર્થિક અને રાજકીય સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ભારતનો ઇતિહાસ આદિવાસી સમુદાયો, મહિલાઓ, LGBTQI સમુદાયના લોકો અને અન્ય લઘુમતી સમુદાયો પર દમનના ઉદાહરણોથી ભરેલો છે. દુર્ભાગ્યવશ, કાનૂની પ્રણાલીએ ઘણીવાર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક જૂથો સામે ઐતિહાસિક ભૂલોને કાયમી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અમેરિકાની જેમ ભારતના કેટલાક ભાગોમાં પણ ગુલામીને કાયદેસર કરવામાં આવી હતી.
તેમના સંબોધનમાં કહ્યું કે કાયદાકીય માળખાનો ઉપયોગ ઘણીવાર ચોક્કસ સમુદાયો પર જુલમ કરવા અને હાંસિયામાં ધકેલી દેવા માટે હથિયાર તરીકે કરવામાં આવે છે. તેમણે કહ્યું, અમેરિકા અને ભારત બંને દેશોમાં, શોષિત સમુદાયોને લાંબા સમયથી મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે એક સંસ્થા તરીકે કાયદાનો ઉપયોગ વર્તમાન સત્તા માળખાને જાળવવા અને ભેદભાવને સંસ્થાકીય બનાવવા માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આવા કાયદાઓ નાબૂદ કર્યા પછી પણ તેના દ્વારા થયેલું નુકસાન પેઢીઓ સુધી ચાલુ રહી શકે છે. આ સમાજના અધોગતિ તરફ દોરી જાય છે.