
પાલી : રાજસ્થાનના પાલીમાં એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. જેમાં અમદાવાદ- જોધપુર વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express)સિમેન્ટ બ્લોકથી ટકરાઇ હતી. જો કે સિમેન્ટ બ્લોક ટ્રેનના આગળના હિસ્સામાં લાગેલા સેફ ગાર્ડથી અથડાયા હતા. તેથી ટ્રેનને થોડો સમય અહિયાં રોકવામાં આવી હતી. આ ઘટનાના કોઇને ઇજા નથી પહોંચી. આ ઘટના બાદ પોલીસ આ સિમેન્ટ બ્લોક ટ્રેક પર કોણે મૂક્યા તેની તપાસ કરી રહી છે.
અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
આ અંગે નોર્થ વેસ્ટ રેલવેના સીપીઆરઓ શશી કિરણે જણાવ્યું કે એન્જિનની આગળ લગાવવામાં આવેલા સેફ ગાર્ડ જોડે સિમેન્ટ બ્લોક અથડાયા હતા. ટ્રેનને થોડો સમય અહિયાં રોકવામાં આવી હતી. આ ઘટનામાં કોઇ ઘાયલ નથી થયું. આ ઘટના શુક્રવાર રાત્રે જવાઈ અને બિરોલીયા વચ્ચે થઈ હતી. આ વિસ્તારમાં સુમેરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જ્યારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે સિમેન્ટ બ્લોકને ટ્રેક પર મૂકવામાં આવ્યા હતા તેનો ઉપયોગ સામાન્ય રીતે ફૂટપાથ બનાવવામાં થાય છે. જેનો આકાર મોટો હતો. જો કે ટ્રેન સાથે ટક્કર બાદ ટ્રેનના આગળ ભાગમાં નિશાન પડ્યું હતું. જેનું વજન અંદાજે પાંચ કિલો હોવાનું અનુમાન છે.
સમગ્ર સેકશનમાં તપાસ તેજ કરી દેવામાં આવી
મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂર્વે 24 ઓગસ્ટના રોજ પણ આ જગ્યાએ સિમેન્ટના બે મોટા બ્લોક રાખવામાં આવ્યા હતા. જો કે ટ્રેન આવતા પૂર્વે આ બ્લોક જોવા મળતા તેને દૂર કરવામાં આવ્યા હતા. જો કે સતત બે દિવસથી ટ્રેક પર બ્લોક મૂકવાની ઘટના બાદ આ વિસ્તારમાં સમગ્ર સેકશનમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં અનેક રેલવે દુર્ઘટના ઘટી છે. જેમાં કેટલીક દુર્ઘટનામાં ષડયંત્ર હોવાનું માલુમ પડ્યું છે. જેની રેલવે અને પોલીસતંત્ર તપાસ કરી રહી છે.