ભારતમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 થશે? જાણો ચૂંટણી પંચે શું કહ્યું | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 થશે? જાણો ચૂંટણી પંચે શું કહ્યું

નવી દિલ્હી: ભારતમાં આઝાદી બાદ મતદાન માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. પરંતુ 1988માં મતદાન માટેની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. જોકે, મતદાનની ઉંમરની જેમ હવે ચૂંટણી લડવાની ઉંમર પણ ઘટાડવાની ચર્ચા ચાલી રહી છે. જેના માટે એક સંસદીય સ્થાયી સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સમિતિની ભલામણને લઈને હવે ચૂંટણી પંચે મહત્ત્વની વાત કરી છે.

ચૂંટણી લડવાની ઉંમર 21 વર્ષ કરવાની ભલામણ

ભારતના બંધારણ અનુસાર, હાલ સંસદની તથા વિધાનસભાની ચૂંટણી લડવાની ન્યૂનત્તમ ઉંમર 25 વર્ષ છે. આ ઉંમર ઘટાડવાની વિચારણા ચાલી રહી છે. પંચાયત અને અન્ય સ્થાનિક ચૂંટણીઓ લડવાની ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. હાલ, સંસદ દ્વારા ભાજપના સાંસદ બૃજલાલાની આગેવાનીમાં રચેલી સ્થાયી સમિતિએ આપેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, વિકસિત અને નવા જમાનાની વિચારધારાના યુવાનોને લોકતાંત્રિક પ્રક્રિયાઓથી પરિચિત કરાવવા અને આંતરરાષ્ટ્રી માહોલને ધ્યાનમાં રાખીને દેશમાં ચૂંટણી લડવાની ન્યૂનત્તમ ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.

સ્થાયી સમિતિએ કાયદા અને ન્યાય મંત્રાલયની સલાહ માટે આ રિપોર્ટ મોકલી આપ્યો છે. સાથોસાથ જુદા જુદા વિભાગો સાથે આ અંગે ચર્ચા થાય એવી આશા વ્યક્ત કરી છે. સ્થાયી સમિતિની આ ભલામણને લઈને યુવા સંગઠનો, સંવિધાનના નિષ્ણાતો, સામાજિક અને નાગરિક સંગઠનો અને ભાગીદારોનો અભિપ્રાય પણ લેવામાં આવશે.

18 વર્ષના યુવાનમાં પરિપક્વતા આવતી નથી

સંસદ દ્વારા સ્થાયી સમિતિની રચવામાં આવેલી સ્થાયી સમિતિએ ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાની ભલામણ કરી છે. જેને લઈને ચૂંટણી પંચે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે રાય સમિતિને જણાવ્યું છે કે, અમે ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાના પક્ષમાં ક્યારેય નથી. કારણ કે, 18 વર્ષની ઉંમરનો યુવાન એક મત આપી શકે છે. પરંતુ આ ઉંમરે તેનામાં એટલી પરિપક્વતા નથી આવતી કે તે વિધાનસભા અને સંસદના મહત્ત્વપૂર્ણ પદોની જવાબદારી ઉઠાવવા અને તેની ગંભીરતાને સમજી શકે.

2023માં પણ થઈ હતી ઉંમર ઘટાડવાની ભલામણ

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2023માં પણ સંસદની સ્થાયી સમિતિએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી. જેમાં કેનેડા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

જોકે, હાલ ભારતમાં 20થી 29 વર્ષની ઉંમરની વચ્ચેના કુલ 19 કરોડ 74 લાખ મતદાતાઓ છે. જે પૈકી 8 કરોડ મતદાતાઓ 21થી 25 વર્ષની ઉંમર વચ્ચેના છે. જ્યારે દેશમાં 1 કરોડ 84 લાખ મતદાતાઓ 18થી 19 વર્ષની ઉંમર વચ્ચેના છે.

આ પણ વાંચો…હવે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ આરોપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button