EDએ ઠગ કિરણ પટેલ સામે દાખલ કરી ફરિયાદ, 27 નવેમ્બરે હાજર રહેવા આપી નોટિસ
નવી દિલ્હીઃ ઈડીએ ગુજરાતના ઠગ કિરણ પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે. શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઇડીના જણાવ્યા અનુસાર, કિરણ પટેલ તરીકે ઓળખાતા ઠગ વ્યક્તિએ પોતાનો પરિચય પીએમઓના એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ) તરીકે આપ્યો હતો.
લોકોને છેતરવા અને ગુનાથી પૈસા કમાવવાના પોતાના ખોટા હેતુઓને પૂર્ણ કરવા માટે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા હતા. ઇડીની શ્રીનગર પ્રાદેશિક ઓફિસે 28 ઓક્ટોબર, 2024 ના રોજ કિરણ પટેલ સામે પીએમએલએ શ્રીનગર સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે આરોપી કિરણ પટેલને 27 નવેમ્બર, 2024 ના રોજ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી.
ઇડીએ કિરણ પટેલ અને અન્યો સામે આઈપીસી, 1860ની વિવિધ કલમો હેઠળ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી. ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે કિરણ પટેલ પોતાને એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ) પીએમઓ તરીકે રજૂ કરતો હતો અને લોકોને લોકોને છેતરવા માટે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા હતા.
આપણ વાંચો: મની લોન્ડ્રિંગ કેસ મુદ્દે તમન્ના ભાટિયાની ઈડીએ કરી પૂછપરછ, જાણો શું છે મામલો
આ ઉપરાંત આ નકલી વિઝિટિંક કાર્ડનો ઉપયોગ કરીને કિરણ પટેલે માત્ર જમ્મુ અને કાશ્મીર સરકારના વહીવટ પાસેથી ગેરકાયદેસર રીતે રક્ષણ મેળવ્યું હતું, જેનાથી સંસાધનોને નુકસાન થયું હતું અને રાજ્યના ખજાનાને નાણાકીય નુકસાન થયું હતું. તેમજ ગુજરાતના ભોળા વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હતી અને કાશ્મીર ઘાટીમાં વ્યવસાયની તકો પૂરી પાડવાનું ખોટું વચન આપીને અનુચિત લાભ મેળવ્યો હતો.
કિરણ પટેલની 3 માર્ચ,2023ના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.બાદમાં કોર્ટ તેને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. તે દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે. નાજ ગામમાં કેન્દ્ર સરકારે તેની નિમણૂક જમ્મુ-કાશ્મીરમાં કરી હોવાનું બધાને કહેતો હતો. ગામમાં નાના-મોટા પ્રસંગમાં તે હાજરી પણ આપતો હતો. પોલીસ દ્વારા કિરણ પટેલ પાસેથી દસ નકલી વિઝિટિંગ કાર્ડ અને બે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા.