મનરેગા યોજના સમાપ્ત કરવાના પ્રયાસ સામે કોંગ્રેસે ખોલ્યો મજબૂત મોરચો, દેશમાં શરૂ કરશે મનરેગા બચાવો અભિયાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ને કથિત રીતે ખતમ કરવાના પ્રયાસો સામે કોંગ્રેસે હવે મક્કમ મોરચો માંડ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ આગામી 5 જાન્યુઆરીથી દેશના ખૂણે ખૂણે ‘મનરેગા બચાવો અભિયાન’ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગ્રામીણ શ્રમિકોના હિતોનું રક્ષણ કરવાનો અને સરકારના આ એકતરફી નિર્ણય સામે જનજાગૃતિ ફેલાવવાનો છે.
મલ્લિકાર્જુન ખરગેએ આ અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, મનરેગા એ માત્ર એક સરકારી યોજના નથી પરંતુ તે ગરીબોને બંધારણ દ્વારા આપવામાં આવેલો કામ કરવાનો મૌલિક અધિકાર છે. તેમણે સરકારના આ નિર્ણયને કૃષિ કાયદાઓ જેવો જ ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ખરગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે કોઈ પણ જાતના મૂલ્યાંકન કે રાજ્યો સાથે ચર્ચા કર્યા વગર આ દૂરંદેશી કાયદાને રદ કરી દીધો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ અભિયાનને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે મનરેગાને ખતમ કરવાના નિર્ણયને દેશના સંઘીય માળખા અને ગરીબ લોકોના અધિકારો પરનો જીવલેણ હુમલો ગણાવ્યો છે.
રાહુલે આ નિર્ણયની સરખામણી ‘નોટબંધી’ સાથે કરતા કહ્યું કે, જેમ નોટબંધી કોઈ પણ વિચારધારા વગર લાગુ કરાઈ હતી, તેમ આ નિર્ણય પણ મંત્રીમંડળની સલાહ વગર એકતરફી રીતે લેવાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર વિપક્ષ આ મુદ્દે એકસાથે મળીને સરકારનો વિરોધ કરશે.
કોંગ્રેસ અધ્યક્ષે માત્ર મનરેગા જ નહીં પરંતુ મતદાર યાદીમાં થતી ગેરરીતિઓ અને સામાજિક વાતાવરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ ઘરે-ઘરે જાય અને સુનિશ્ચિત કરે કે દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના નામ મતદાર યાદીમાંથી કમી ન થાય. આ ઉપરાંત, તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અને ભારતમાં ક્રિસમસના આયોજનો પર થતા અવરોધોની પણ નિંદા કરી હતી, જેનાથી વિશ્વમાં ભારતની છબી ખરડાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…મનરેગા સમાપ્ત થવીએ એ આપણી નૈતિક નિષ્ફળતા છે; સોનિયા ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી



