‘….વડાપ્રધાન ચર્ચાથી ડરે છે’ કોંગ્રેસના મહિલા સાંસદોએ પત્ર લખી ઓમ બિરલા ફરજો યાદ અપાવી

નવી દિલ્હી: સંસદના ચાલુ સત્રમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરી અંગે સવાલો ઉઠતા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના મહિલા સાંસદોથી વડાપ્રધાનને જોખમ છે. હવે કોંગ્રેસના મહિલા સંસદસભ્યોએ ઓમ બિરલાને પત્ર લખીને આરોપોને વખોડી કાઢ્યા છે. કોંગ્રેસના મહિલા સાંસદોએ જણાવ્યું કે ડરને કારણે વડાપ્રધાન મોદી ગૃહમાં હાજરી નથી આપી રહ્યા.
પત્રમાં કોંગ્રેસના મહિલા સાંસદોએ જણાવ્યું કે તેમની સામે આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કેમ કે તેઓ સતત મોદી સરકાર સામે લડી રહી છે. વડાપ્રધાનને તેમનાથી કોઈ જોખમ નથી, વડાપ્રધાનને ચર્ચા કરવાથી ડર લાગી રહ્યો છે.
કોંગ્રેસના મહિલા સાંસદોએ પત્રમાં લખ્યું, “અમે પ્રેમ, શાંતિ, બંધારણીય મૂલ્યો અને માનવીય ગૌરવમાં માનવા વાળી પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાંસદ છીએ. અમે હિંસા અને ધાકધમકી આપવામાં માનતા નથી. અમે લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ જેમને તમને ડરાવી અને ચૂપ ન કરવી શકો. અમારું માનવું છે, પારદર્શકતાથી સ્પીકરના કાર્યાલયની ગરિમા અને આ ગૃહની વિશ્વસનીયતા ફરી સ્થાપિત કરી શકાય છે.”
ઓમ બિરલાને ફરજો યાદ આપાવી:
ઓમ બિરલા પર પક્ષપાતના આરોપ લગાવતા કોંગ્રેસના મહિલા સાંસદો એ કહ્યું, “…અમને તમારા પદ અને તમારા વ્યક્તિત્વ માટે આદર છે. જોકે, એ સ્પષ્ટ છે કે શાસક પક્ષ તરફથી તમારા પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. અમે ફરી એકવાર તમને વિનંતી કરીએ છીએ કે તમે લોકસભાના નિષ્પક્ષ રક્ષક તરીકે કાર્ય કરો. અમે તમારી સાથે ઉભા રહીશું અને આ પ્રયાસમાં તમને સમર્થન આપીશું.”
મહિલા સાંસદોએ લખ્યું, “તમે સ્પીકર તરીકેના કર્તવ્યનું પાલન કરશો તો ઇતિહાસ તમને એવા વ્યક્તિ તરીકે યાદ રાખે જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે સાચું હતું, તેના પડખે ઊભા રહ્યા અને રાષ્ટ્રીય હિતમાં બંધારણીય શિષ્ટાચારનું સમર્થન કર્યું. ઇતિહાસ તમને એવા વ્યક્તિ તરીકે યાદ ન રાખવા જોઈએ જેમણે દબાણને હેઠળ આવીને લોકશાહી મૂલ્યોને નબળા પાડ્યા અને દેશના લોકશાહી માળખાને નુકસાન પહોંચાડ્યું.”



