
નવી દિલ્હી: સામાન્ય રીતે દાનની રકમ પર ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ દેશના સૌથી જૂના કૉંગ્રેસ પક્ષને મળેલા 199 કરોડના દાન પર ઇન્કમ ટેક્સ ચૂકવવાની નોબત આવશે. કોંગ્રેસને મળેલા ડોનેશન પર ટેક્સમાંથી ટ્રિબ્યુનલ કોર્ટે રાહત આપી નથી.
7 વર્ષ જૂના કેસનો આવ્યો ચુકાદો
બીજી ફેબ્રુઆરી 2019ના રોજ કૉંગ્રેસ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું. જે 31 ડિસેમ્બર 2018ની નિયત તારીખ કરતાં ઘણું મોડું હતું. રાજનીતિક પક્ષોના દાન પર ટેક્સ નથી લાગતો એવું જણાવીને કૉંગ્રેસે પોતાની ઝીરો આવક જાહેર કરી હતી.
તેમણે 199.15 કરોડની છૂટનો દાવો પણ કર્યો હતો. પરંતુ સપ્ટેમ્બર 2019માં અસેસિંગ ઓફિસરને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પક્ષને 14.49 લાખ રૂપિયાની રોકડ રકમનું દાન મળ્યું હતું, જે પૈકીની ઘણી રકમ ડોનેશન કાયદા પ્રમાણે મેળવેલી નહોતી. તેથી ઇન્કમ ટેક્સ વિભાગે કૉંગ્રેસને દાનની રકમના 199 કરોડ રૂપિયા પર ટેક્સ ચૂકવવા માટે નોટિસ આપી હતી.
નોટિસનો કેસ ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો
ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસનો કૉંગ્રેસે કર્યો વિરોધ હતો અને આવકવેરા અપીલ ટ્રિબ્યુનલમાં અપીલ અરજી દાખલ કરવામાં આવી હતી. અપીલ અરજીમાં કૉંગ્રેસે જણાવ્યું હતું કે, 199 કરોડ અમને દાનરૂપે મળ્યા હતા અને હકીકતમાં ટેક્સ ફ્રી હોવા જોઈએ, પરંતુ આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે કૉંગ્રેસની અપીલને ફગાવી દીધી છે. તેથી હવે કૉંગ્રેસને 199 કરોડ રૂપિયાના દાન પર ટેક્સ ભરવો પડશે.
કૉંગ્રેસે ન કર્યું નિયમનું પાલન
ઉલ્લેખનીય છે કે, ડૉનેશન કાયદા હેઠળ 2000 રૂપિયાથી વધુનું દાન ચેક અથવા બેંક ટ્રાન્સફર જેવા બેન્કિગ માધ્યમો દ્વારા કરવું જોઈએ. કૉંગ્રેસે 14.49 લાખ રૂપિયાની રોકડ રકમના દાન પૈકીની ઘણી રકમમાં આ નિયમનું પાલન કર્યું નહોતું. આ અંગે કૉંગ્રેસે ઇન્કમ ટેક્સ વિભાગ પાસે છૂટ પણ માંગી હતી. પરંતુ કૉંગ્રેસની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો નહતો.