બિહારમાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ રિસિવિંગ મોડમાંઃ આરજેડી બેઠકો આપવાના મૂડમાં નથી | મુંબઈ સમાચાર
નેશનલ

બિહારમાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ રિસિવિંગ મોડમાંઃ આરજેડી બેઠકો આપવાના મૂડમાં નથી

પટનાઃ બિહારની ચૂંટણીની જાહેરાત કરી ચૂંટણી પંચે પોતાનું કામ કરી દીધું છે ત્યારે હવે રાજકીય પક્ષો કામે લાગ્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનમાં છે અને બિહારમાં પ્રાદેશિક પક્ષોનો હાથ ઉપર છે. ભાજપ જેડીયુ સાથે મુખ્યત્વે ચૂંટણી લડી રહી છે જ્યારે કૉંગ્રેસનું ગઠબંધન આરજેડી સાથે છે.

કૉંગ્રેસને કરવું પડશે સમાધાન?

ભાજપ કેન્દ્રમાં અને ઘણા રાજ્યોમાં સત્તા પર છે. આથી તેઓ બેઠકો માટે રકઝક કરી શકશે અને બની શકે કે તેમનો હાથ પણ ઉપર હોય, જ્યારે કૉંગ્રેસ પાસે હાલમાં અસ્તિત્વ ટકાવવા માટે મરણિયા પ્રયાસો કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સૂત્રોનું માનીએ તો કૉંગ્રેસ બિહારની 243 બેઠકમાંથી માત્ર 50 બેઠક પર ઉમેદવારી નોંધાવી શકશે. ૨૦૨૦ની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે આ વખતે તેને ફક્ત ૫૦ થી ૫૫ બેઠકો મળવાની ધારણા છે. દરમિયાન, આરજેડી ૧૨૫-૧૩૦ બેઠકો જાળવી રાખવાનું લક્ષ્ય રાખી રહી છે. ડાબેરી પક્ષોને ૩૦-૩૫ બેઠકો અને વીઆઈપીને ૧૮ થી ૨૦ બેઠકો મળી શકે છે. દરમિયાન, આરએલજેપીને ૩ થી ૪ બેઠકો અને જેએમએમને ૨ થી ૩ બેઠકો મળવાની ધારણા છે. જો વીઆઈપી ૧૮ થી ૨૦ બેઠકો જીતે છે, તો તેને ફાયદો થશે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા સ્પેશિયલઃ 5 વર્ષમાં મહિલાઓની તુલનામાં ત્રણ ગણા પુરુષોની સંખ્યા વધી…

કૉંગ્રેસની ફોર્મ્યુલા શું કહે છે?

કૉંગ્રેસની વાત કરીએ તો જે 19 બેઠક પર વર્તમાન ધારાસભ્ય છે, તે તમામ કૉંગ્રેસ પોતાની પાસે રાખવા માગે છે. આ સાથે જે બેઠકો પર ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસ 5થી 20 હજાર મતથી હારી હતી તેના પર પાર્ટી ફરી દાવ લગાવવા માગે છે. કૉંગ્રેસની ઈચ્છા 70થી 75 બેઠક પર દાવેદારી નોંધાવવાની છે, પરંતુ આરજેડી 50થી એક વધારે આપવાના મૂડમાં નથી, તેમ સૂત્રો જણાવે છે.
Vikassheel Insaan Party (VIP)ના મુકેશ સાહની મોટું મોઢું ખોલશે અને અત્યારથી પોતાના પક્ષ માટે નાયબ મુખ્ય પ્રધાનપદ માગી રહ્યા છે. એવો દાવો પણ થઈ રહ્યો છે કે મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંતિમ ચરણમાં છે અને કોઈ વિવાદ કે મતભેદ નથી, પરંતુ ચૂંટણી સમયે એક કરતા વધારે પક્ષો સાથે મળે ત્યારે બેઠક વહેંચણી મામલે રકઝક થયા વિના રહેતી નથી. આથી થોડા દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે કે ખરેખર કયો પક્ષ કેટલી બેઠક પર લડી રહ્યો છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button