નેશનલ

કૉંંગ્રેસ પીએફઆઈ પરનો પ્રતિબંધ હટાવવા માગે છે: અમિત શાહ

રાજસ્થાનમાં આરક્ષણને મુદ્દે કૉંગ્રેસ જુઠાણું ફેલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો

જયપુર/કોટા: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આરક્ષણને મુદ્દે જુઠાણું ફેલાવવાનો ગંભીર આક્ષેપ કરતાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષો પણ એવી ઈચ્છા રાખતા હશે કે એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલું આરક્ષણ ખતમ કરી નાખવામાં આવે તો પણ ભાજપ આવું થવા દેશે નહીં.

રાજસ્થાનમાં એક રેલીને સંબોધતાં તેમમે કહ્યું હતું કે કૉંગ્રેસ ઈસ્લામિક આતંકવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવા માગે છે.
ભાજપના અબકી બાર 400 પારના નારા પાછળ બંધારણને બદલવાનો હેતુ છે એવા વિપક્ષના દાવાના છોતરાં કાઢતાં તેમણે કહ્યું હતું કે જ્યારે કૉંગ્રેસને બહુમતી મળી હતી ત્યારે તેમણે તેનો ઉપયોગ કટોકટી લાદવા માટે કર્યો હતો, જ્યારે અમને 2014 અને 2019માં બહુમતી મળી ત્યારે અમે તેનો ઉપયોગ આરક્ષણ હટાવવા માટે નહીં, કલમ 370 હટાવવા માટે અને રામ મંદિર બાંધવા માટે, સીએએ લાવવા માટે, મહિલાઓને આરક્ષણ આપવા માાટે, ગરીબી દૂર કરવા માટે અને દેશને સુરક્ષિત કરવા માટે કર્યો છે.

રાહુલ બાબા તમારે જુઠું ન બોલવું જોઈએ. જો કૉંગ્રેસ પણ એસસી, એસટી અને ઓબીસી સમાજને મળતી અનામત હટાવવા માગતી હશે તો પણ અમે તેને હટાવવા દઈશું નહીં. આ મોદીની ગેરેન્ટી છે. આ લોકો જુઠાણું ફેલાવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

ઓબીસી સમાજને આરક્ષણ આપવાનો વિરોધ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો એવો દાવો કરતાં તેમણે જણાવ્યું હતું કે મંડલ કમિશનનો અહેવાલ કૉંગ્રેસે અમલમાં મૂક્યો નહોતો. જ્યારે સંસદમાં ચર્ચા વખતે રાહુલ બાબાના પિતા રાજીવ ગાંધી આરક્ષણના વિરોધમાં અઢી કલાક બોલ્યા હતા.

તેમણે કહ્યું હતું કે જો લોકોએ કૉંગ્રેસને ગઈ ચૂંટણીમાં વિજયી બનાવી હોત તો કોટાને પીએફઆઈનો ગઢ બનાવી નાખવામાં આવ્યો હોત. લોકોએ મોદીને મત આપ્યા અને તેમણે પીએફઆઈને ખતમ કરી નાખી અને પીએફઆઈના લોકોને સળિયા પાછળ ધકેલી દીધા હતા. હવે આ લોકો કહી રહ્યા છે કે તેઓ પીએફઆઈ પરના પ્રતિબંધને હટાવી નાખશે. તમે લોકો પીએફઆઈ પરના પ્રતિબંધિત રાખવા માગો છો કે નહીં? એવો સવાલ પણ તેમણે ઉપસ્થિતોને કર્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button