નેશનલ

“વેનેઝુએલામાં મચાડો, તેમ ભારતમાં રાહુલ”: નોબેલ વિજેતાની તુલના કરી કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા બાદ ભારતીય રાજકારણમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે મચાડોની તુલના કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કરી છે. રાજપૂતે સંકેત આપ્યો કે જે રીતે મચાડોને તેમના દેશમાં લોકતાંત્રિક અધિકારો માટે સંઘર્ષ કરવા બદલ આ સન્માન મળ્યું છે, તેવી જ રીતે રાહુલ ગાંધી પણ ભારતમાં બંધારણ બચાવવાની લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે.

કોંગ્રેસે X પર તુલના કરી

સુરેન્દ્ર રાજપૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મારિયા મચાડો અને રાહુલ ગાંધીની તસવીર શેર કરતા લખ્યું, “આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષના નેતાને બંધારણની રક્ષા માટે મળ્યો છે. ભારતમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશના બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે.”

https://twitter.com/ssrajputINC/status/1976673332486672731

મચાડોને લોકશાહી અધિકારો માટે મળ્યું સન્માન

નોર્વેજિયન નોબેલ સમિતિએ મારિયા મચાડોને “તાનાશાહીમાંથી લોકશાહીમાં શાંતિપૂર્ણ પરિવર્તન” અને “લોકતાંત્રિક અધિકારો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા” માટે આ સન્માન આપ્યું છે. ગત વર્ષે થયેલી ચૂંટણીઓમાં ગેરરીતિના આરોપો બાદ મચાડોને છુપાઈને રહેવું પડ્યું હતું, તેમ છતાં તેમણે વેનેઝુએલાના વિપક્ષને એકજૂટ રાખવામાં સફળતા મેળવી.

રાહુલ ગાંધીના સંઘર્ષને કોંગ્રેસનું સમર્થન

કોંગ્રેસ નેતાનું કહેવું છે કે ભારતમાં રાહુલ ગાંધી પણ હાલની એનડીએ સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ તાજેતરના મહિનાઓમાં “વોટ ચોરી”, બિહારમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા, EVM હેકિંગ, પછાત વર્ગોના આરક્ષણને ખતમ કરવાનું ષડયંત્ર જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે. વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના ગઠન બાદ સમગ્ર વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ એકજૂથ છે. વિપક્ષનો આરોપ છે કે દેશમાં બેરોજગારી વધી છે, અર્થવ્યવસ્થા નબળી પડી છે, લઘુમતી અને અનુસૂચિત વર્ગોના અધિકારો સાથે સમજૂતી થઈ છે.

આ પણ વાંચો…હું ખુશ છું કારણ કે મેં…નોબેલ વિજેતાએ પુરસ્કાર અર્પણ કરતાં ટ્રમ્પે કર્યા પોતાના વખાણ, શું કહ્યું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button