રાજસ્થાનમાં પૂર્વ વિધાનસભ્યને આ કારણસર કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ
જયપુરઃ રાજસ્થાનના બાડમેરથી કોંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય મેવારામ જૈનનો આપતિજનક વીડિયો બહાર આવ્યા બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ મેવારામને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
મેવારામ જૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીએ તેમના બે કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારબાદ પાર્ટીએ આ નિર્ણય લીધો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ મેવારામ જૈન સામે શિસ્તભંગના પગલાં લીધા હતા અને સસ્પેન્શનનો આદેશ જાહેર કર્યો હતો.
કોંગ્રેસના આદેશ અનુસાર બાડમેરના પૂર્વ વિધાનસભ્ય મેવારામ જૈનને અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે તાત્કાલિક અસરથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમનું વર્તન કોંગ્રેસ પાર્ટીના બંધારણ હેઠળ શિસ્તના ભંગનો સ્પષ્ટ સંકેત છે.
એક મહિલાએ ડિસેમ્બર 2023માં બાડમેરના પૂર્વ વિધાનસભ્ય મેવારામ જૈન અને રાજસ્થાનના પોલીસ અધિકારી આનંદ સિંહ રાજપુરોહિત સહિત નવ લોકો વિરુદ્ધ બે વર્ષ પહેલાં તેના પર થયેલા બળાત્કાર મામલે કેસ નોંધાવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે જોધપુરના રાજીવ ગાંધી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેના એક સગીર મિત્ર પર પણ બળાત્કાર કર્યો હતો અને તેના પર અન્ય છોકરીઓને પોતાની પાસે લાવવાનું દબાણ કર્યું હતું.
મેવારામ જૈન કોંગ્રેસની ટિકિટ પર બાડમેર મતવિસ્તારમાંથી ત્રણ વખત ચૂંટાયા હતા. જો કે તેઓ છેલ્લી ચૂંટણીમાં ભાજપના બળવાખોર પ્રિયંકા ચૌધરી સામે હારી ગયા હતા. જૈનની કેટલીક સ્પષ્ટ તસવીરો/સીડી એક વર્ષ પહેલાં સામે આવી હતી જે વીડિયો એડિટ હોવાનો દાવો કર્યો હતો અને બાડમેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.