MP Lok Sabha Poll Twist: યુપી બાદ હવે એમપીમાં પણ થયું કોંગ્રેસ-સપા ગઠબંધન મુંબઈ સમાચાર

યુપી બાદ હવે એમપીમાં પણ થયું કોંગ્રેસ-સપા ગઠબંધન

ભોપાલઃ લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રની એનડીએ સરકારે હેટ્રીક કરવા માટે કમર કસી છે તો વિપક્ષો પણ મોદીને હરાવવા માટે વિવિધ પક્ષો સાથે ગઠબંધનની તૈયારી કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે હવે એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયું છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસે એમપીમાં સપાને એક લોકસભા સીટ આપી છે. હવે ખજુરાહો સીટ પરથી સપા પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે કોઈ ગઠબંધન થયું ન હતું.

હકીકતમાં સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસ પાસે મધ્ય પ્રદેશમાં ટીકમગઢ અને ખજુરાહો એમ બે સીટની માગણી કરી હતી, પણ કૉંગ્રેસ બંને સીટ સપાને આપવા માગતી નહોતી. એવી વાત પણ જાણવા મળી હતી કે એમપીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. જોકે, બંને પક્ષના હાઈકમાન્ડ વચ્ચે વાતચીત થઈ હતી અને ખજુરાહો સીટ સપાને આપવા પર સહમતી થઈ હતી, તેથી હવે સપાએ એક સીટ પર સંતોષ માનવો પડશે.


મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. અહીં લોકસભાની 29 બેઠકો છે. ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 29માંથી 28 બેઠકો જીતી હતી. એક સીટ છિંદવાડા હતી, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર નકુલનાથે જીતી હતી. અહીં સપાનું ખાસ કંઇ ઉપજતું નથી તેથી કોંગ્રેસે સપાને એક સીટ આપી છે.


ઉત્તર લપ્રદેશની વાત કરીએ તો તે સપાનો ગઢ છે. અહીં સપાએ 80 બેઠકોમાંથી કોંગ્રેસને 17 બેઠકો આપી છે. એટલે કે કોંગ્રેસ યુપીમાં 17 સીટો પર ચૂંટણી લડશે. બાકીની બેઠકો પર સપા પોતાના ઉમેદવારો ઉતારશે. જો કે, કઇ બેઠક પરથી કયો ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

Back to top button