‘આ તો ગાળો બોલે છે, શું આ જ મોદીની ગેરંટી છે?’ MPના નવા સીએમ મોહન યાદવ પર કોંગ્રેસના ગંભીર આરોપ

નવી દિલ્હી: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપે શિવરાજસિંહ ચૌહાણની જગ્યાએ મોહન યાદવને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા હતા, આ નિર્ણયને કારણે સામાન્ય નાગરીકો ઉપરાંત રાજકીય વિશ્લેષકો પણ ચોંકી ગયા હતા. મોહન યાદવે હજુ સપથ ગ્રહણ પણ નથી એ પહેલા વિપક્ષે તેમના પર પ્રહારો કરવાનું શરુ કરી દીધું છે. તેમને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન જાહેર કર્યાના એક દિવસ પછી, કોંગ્રેસે આજે મંગળવારે મોહન યાદવ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે મોહન યાદવ પર મોટા પાયે છેતરપીંડી સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ઉજ્જૈન માસ્ટર પ્લાન પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે શું આ રાજ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે.
જયરામ રમેશે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કર્યું કે ચૂંટણીના પરિણામોના આઠ દિવસ પછી, ભાજપે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા, જેની સામે ઉજ્જૈન માસ્ટરપ્લાનમાં મોટા પાયે છેડછાડ સહિતના ગંભીર આરોપો છે.
તેમણે લખ્યું કે, સિંહસ્થ માટે અનામત 872 એકર જમીનમાંથી, જમીનનો ઉપયોગ બદલીને જમીન અલગ કરી દેવામાં આવી હતી. તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેમાં તેઓ ગાળો, ધમકી અને વાંધાજનક નિવેદનો આપતા જોવા મળે છે.
‘મોદીની ગેરંટી’ અંગેના વડા પ્રધાનના નિવેદન પર ઝાટકણી કાઢતા રમેશે કહ્યું, “શું આ મધ્યપ્રદેશ માટે મોદીની ગેરંટી છે?” રમેશે પોતાના દાવાના સમર્થનમાં એક ન્યૂઝ ક્લિપિંગ પણ શેર કરી છે.
તમને જણાવી દઈએ કે ભાજપની મધ્યપ્રદેશ યુનિટે સોમવારે મોહન યાદવને રાજ્યના આગામી મુખ્ય પ્રધાન તરીકે જાહેર કર્યા હતા. આઉટગોઇંગ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પોતે આ જાહેરાત કરી હતી. રાજ્યની રાજધાનીમાં પાર્ટીની વિધાન સભ્યોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ 58 વર્ષીય મોહન યાદવ ત્રણ વખત વિધાન સભ્ય રહી ચૂક્યા છે. આ વખતે તેઓ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. યાદવે 2013 માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી અને 2023 સહિત સતત ત્રણ ચૂંટણીઓમાં વિજયી રહ્યા છે.
હવે તેમનું નામ મુખ્ય પ્રધાન જાહેર ચૂંટાયા બાદ બિહારની સત્તાધારી પાર્ટી જેડીયુએ પણ તેમના જૂના વીડિયો શેર કરીને તેમના પર નિશાન સાધ્યું છે.