કૉંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું બદલાયું, સમય બદલાશે? દિલ્હીની ચૂંટણી પર મદ્દાર
નવી દિલ્હી: આઝાદી બાદથી લઈને દાયકાઓ સુધી દેશની સત્તાની કમાન સંભાળનાર અને આજે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હવે દાયકાઓ બાદ પોતાના રાષ્ટ્રીય મુખ્યાલયનું નવું સરનામું તૈયાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી કોંગ્રેસનું મુખ્યાલય 24, અકબર રોડ હતું, પરંતુ આવનારા દિવસોમાં કોંગ્રેસના મુખ્યાલયનું નવું સરનામુ બનશે. જો કે હવે નવા કૉંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું કોંગ્રેસનું વર્તમાન બદલશે કે કેમ તે હવે જોવું રહ્યું.
કોંગ્રેસનું નવું કાર્યાલય કોટલા રોડકોંગ્રેસનું નવું કાર્યાલય નવી દિલ્હીમાં 9A, કોટલા રોડ પર બનાવવામાં આવ્યું છે. તેને ઈન્દિરા ગાંધી ભવન નામ આપવામાં આવ્યું છે. પાર્ટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કેસી વેણુગોપાલે જણાવ્યું કે 15 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તમામ નેતાઓની હાજરીમાં AICCના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
કોંગ્રેસનો એક દાયકો સંઘર્ષથી ભરેલો એકસમયે દેશની સત્તામાં પ્રભુત્વ ધરાવનાર કોંગ્રેસ પાર્ટીને માટે છેલ્લો દાયકો ઘણો કપરો રહ્યો છે. 2014માં લોકસભાની ચૂંટણી હાર્યા બાદ 2019ની લોકસભા અને આ દાયકામાં થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. સતત પરાજય અને કટોકટીથી ભરેલા એક દાયકા પછી વર્ષ 2024 કોંગ્રેસ અને વિપક્ષ માટે ઉતાર-ચઢાવનું વર્ષ સાબિત થયું. INDI ગઠબંધને સાથે મળીને ભાજપને ટક્કર આપી હતી અને વિપક્ષ તરીકેનું પોતાનું સ્થાન મેળવી શક્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો જો કે 2024ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણાના ચૂંટણી પરિણામોને ઝટકો આપ્યો હતો. જો કે ઝારખંડ અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી પરિણામો ગઠબંધન માટે ઘણા સંતોષકારક રહ્યા હતા. હવે કોંગ્રેસ દિલ્હીની ચૂંટણી પર નજર નાખીને બેઠી છે, પણ કોંગ્રેસ માટે દિલ્હીની ચૂંટણી ઘણા આકરા ચઢાણ સમાન બની રહેશે. કોંગ્રેસ પાર્ટીની સરકારમાં મુખ્ય પ્રધાન તરીકે શીલા દીક્ષિતનો 15 વર્ષનો કાર્યકાળ ઘણો મહત્વનો રહ્યો હતો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા અને ત્યાંરથી લઈને આજદિન સુધી દિલ્હીમાં આપની સરકારનો દબદબો રહ્યો છે.
દિલ્હીમાં કોંગ્રેસ માટે કેવા સંઘર્ષ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં આરવિંદ કેજરીવાલ અનેક મોટી ગેરેન્ટીની જાહેરાતો કરી રહ્યા છે. તો તેની સામે ભાજપ પણ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે જાહેરાતોનો માર ચલાવી રહી છે. આ પરિસ્થિતિમાં હવે કોંગ્રેસ પણ પોતાની ગેરેન્ટીની સાથે મેદાનમાં છે. જો કે આપ સાથે તેનું દિલ્હીની ચૂંટણીઓમાં જોવા મળશે નહિ, આથી કોંગ્રેસને આપ, ભાજપને કટોકટીની લડત આપીને પોતાની સ્થિતી સુધારવા માટે ઘણા લોઢાના ચણા ચાવવા પડશે.