નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી: તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હશે? દિલ્હીમાં થઇ મહત્વની બેઠક…

નવી દિલ્હી: બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી (Delhi Assembly election) યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. મહાગઠબંધનનો ભાગ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના નેતાઓએ આજે દિલ્હી એક બેઠક (Congress-RJD meeting) કરી હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય જનતા દળ(RJD) તરફથી તેજસ્વી યાદવ (Tejashwi Yadav) અને મનોજ ઝા ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી.

બિહાર ચૂંટણી ખુબ રસપ્રદ રહેશે, એક તરફ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) છે, જેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની જનતા દળ યુનાઇટેડ(JDU) અને ભારતીય જનતા પાર્ટી(BJP) સામેલ છે. બીજી બાજુ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને ડાબેરી પક્ષોનું મહાગઠબંધન છે.

એવી અટકળો વહેતી થઇ હતી કે મહાગઠબંધ તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. બેઠક બાદ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે અટકળો અંગે કહ્યું કે, મને ખબર નથી કે તમે બધા મુખ્યપ્રધાનના ઉમેદવાર વિશે કેમ ચિંતા કરો છો, અમે નિર્ણય લઈશું. બિહારમાં NDA સરકાર નહીં બને તે નક્કી છે.

તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘અમે એક બેઠક કરી હતી, આ દરમિયાન સકારાત્મક ચર્ચા થઈ હતી. અમે 17 એપ્રિલે પટનામાં ફરી મળીશું. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ અને અમે બિહારને આગળ લઈ જવા માંગીએ છીએ.’

‘બિહારમાં NDAની હાર નક્કી”
તેજસ્વી યાદવે NDA સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં 20 વર્ષ સુધી NDA સરકાર રહ્યા પછી પણ બિહાર સૌથી ગરીબ રાજ્ય છે. રાજ્યમાં માથાદીઠ આવક સૌથી ઓછી છે, ખેડૂતોની આવક સૌથી ઓછી છે, સ્થળાંતર સૌથી વધુ છે. અમે આ બધા મુદ્દાઓ પર ચૂંટણી લડવા માંગીએ છીએ. અમે વિપક્ષમાં છીએ, સરકારની ખામીઓને જનતા સમક્ષ ઉજાગર કરવાની જવાબદારી અમારી છે. મને ખબર નથી કે તમે બધા મુખ્યપ્રધાનના ચહેરા વિશે કેમ ચિંતિત છો, અમે નિર્ણય લઈશું. નીતિશ કુમાર હાઈજેક થઈ ગયા છે, બિહારમાં NDA સરકાર નહીં બને તે નક્કી છે.

‘બિહાર તકવાદી ગઠબંધનથી મુક્ત થશે’
બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આ વખતે બિહારમાં પરિવર્તન નિશ્ચિત છે. આજે અમે તેજસ્વી યાદવને મળ્યા અને મહાગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. આગામી ચૂંટણીઓમાં, અમે બિહારના લોકોને એક મજબૂત, સકારાત્મક, ન્યાયી અને કલ્યાણકારી વિકલ્પ આપીશું. બિહાર ભાજપ અને તેના તકવાદી ગઠબંધનથી મુક્ત થશે. યુવાનો, ખેડૂતો-મજૂરો, મહિલાઓ, પછાત, અત્યંત પછાત અને સમાજના અન્ય તમામ વર્ગના લોકો મહાગઠબંધન સરકાર ઇચ્છે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button