રાજસ્થાનમાં કોંગ્રેસની હાર પર મંથન ચાલુ, રાહુલ ગાંધીએ જણાવ્યું કે ક્યાં થઇ ભૂલ

રાજસ્થાન સહિત હિન્દી બેલ્ટમાં કૉંગ્રેસની હારથી પક્ષ ચિંતામાં આવી ગયો છે. આ હારે ઇન્ડિયા ગઠબંધનના રથ પર સવાર કૉંગ્રેસને વિચારવા મજબૂર કરી દીધી છે. આવતા વર્ષએ લોકસભાની ચૂંટણી છે અને તે સમયે પણ જો આવી જ હાલત રહેશે તો કૉંગ્રેસ પક્ષ માટે દિલ્હી બહોત દૂર થઇ જશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મળેલી હાર બાદ કૉંગ્રેસ પાર્ટીએ મંથન શરૂ કર્યું છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની સમીક્ષા કરવા બેઠક યોજી છે. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકો સાથે યોગ્ય રીતે વાતચીત નહીં કરવાને કારણે રાજસ્થાનમાં કૉંગ્રેસને હાર મળી એવું રાહુલ ગાંધીનું માનવું છે, જ્યારે અશોક ગેહલોતે જણાવ્યું છે કે રાજ્યમાં ધાર્મિક ધ્રુવીકરણ થયું છે. ભાજપ લોકોમાં ધ્રુવીકરણ કરવામાં સફળ રહ્યું, જેના કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, રાહુલ ગાંધી સામે ગેહલોતનું બહાનું નહોતું ચાલ્યું. રાહુલ ધ્રુવીકરણની વાત સાથે સહમત નહોતા થયા. તેમણે દલીલ કરી હતી કે જો રાજ્યમાં ધાર્મિક ધ્રુવીકરણને કારણે ભાજપની જીત થઇ હોય, તો તેની અસર કોંગ્રેસના વોટ શેર પર પણ દેખાવી જોઈતી હતી. આ સ્થિતિમાં કોંગ્રેસ લગભગ 40 ટકા વોટ શેર જાળવી શકી ન હોત. તેમણે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જીત અને હારમાં બહુ ફરક નથી.
ગેહલોતે દલીલ કરી હતી કે પીએમ મોદી રાજસ્થાનમાં સાંપ્રદાયિક નારા પર ચૂંટણી લડ્યા હતા. તેઓ રાજ્ય સરકારના રેકોર્ડને પડકારીને ચૂંટણી લડ્યા નહોતા. રાજ્યમાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ સાથે રાહુલ ગાંધી સહમત થયા હતા, પણ તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ તેની યોજનાઓ લોકો સુધી વ્યાપકપણે પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી.
નોંધનીય છે કે કોંગ્રેસની ચૂંટણી સમિતિમાં બેઠેલા વિધાનસભ્યોના ફેરફારને લઈને રાહુલ અને ગેહલોત વચ્ચે વારંવાર ચર્ચાઓ થઈ હતી, પરંતુ મોટાભાગના વિધાન સભ્યોને જાળવી રાખવામાં આવે એવી ગેહલોતની દલીલ હતી, જેને કારણે ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના 23 મંત્રીઓમાંથી 17 હાર્યા હતા અને ગેહલોત સહિત માત્ર 6 જ જીતવામાં સફળ રહ્યા છે.