કલબુર્ગી: લોકસભા ચૂંટણી(Loksabha Election)ના કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો એક માત્ર પ્રતિસ્પર્ધી અને દેશનો સૌથી જુનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Indian National Congress) હાલ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge) એ આ અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે બુધવારે સંકેત આપ્યો કે પાર્ટી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે બેંક ખાતામાં લોકોએ દાનમાં આપેલા પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપ સરકારે ફ્રીઝ કરી દીધા છે.
તેમણે જણાવ્યું કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આવકવેરા વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે લોકોને હાકલ કરી હતી કે તેઓ દેશમાં બંધારણ અને લોકશાહીને બચાવવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા સાથે આવે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે લોકો પાસે દાનની અપીલ કરતા ‘ડોનેટ ફોર દેશ’ નામ સાથે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરુ કર્યું હતું, જેમાં નાગરીકોએ યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું હતું. થોડા દિવસો અગાઉ આવકવેરા વિભાગે કોંગ્રેસને નોટીસ મોકલી પાર્ટીના ખાતા સ્થગિત કરી દીધા હતા. જેને કારણે પાર્ટી મુશ્કેલી મુકાઈ ગઈ છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ અમારી પાર્ટીના પૈસા હતા, જે તમે લોકોએ દાનમાં આપ્યા હતા, તેમણે(કેન્દ્ર સરકારે) તેને ફ્રીઝ કરી દીધા છે અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. તેઓ (ભાજપ) ઈલેક્ટોરલ બોન્ડ વિશે ખુલાસો નથી કરી રહ્યા, કારણ કે તેમની ચોરી જાહેર થઇ જશે. તેમની ગેરરીતિઓ જાહેર થઇ જશે, તેથી તેણે જુલાઈ સુધીનો સમય માંગ્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડા પ્રધાન મોદી પર ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, તમે હજી જીવિત છો, જ્યારે વ્યક્તિ જીવિત હોય ત્યારે તેમના સ્મારકો બનાવવામાં આવતાં નથી.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કલબુર્ગી(ગુલબર્ગા)ના લોકોએ તેમની ભૂલ સુધારવાનો અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટકની ગુલબર્ગા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ખડગેને ભાજપના ઉમેશ જાધવે 95,452 મતોથી હરાવ્યા હતા. દાયકાઓ લાંબી તેમની રાજકીય કારકિર્દીમાં ખડગેની આ પ્રથમ ચૂંટણી હાર હતી. એવી અટકળો ચાલી રહી છે કે રાષ્ટ્રીય સ્તરે પાર્ટીનું સંચાલન અને ઈન્ડિયા બ્લોક સાથે સંકલનની ભૂમિકા ભજવતા ખડગે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. તેના બદલે પાર્ટી તેમના જમાઈ રાધાકૃષ્ણ ડોડ્ડામણીને મેદાનમાં ઉતારી શકે છે.
ખડગેએ લોકોને કહ્યું, આ તમારા અધિકારનો મામલો છે. તેઓ (ભાજપ) બંધારણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપનો દાવો છે કે બંધારણની વિરુદ્ધ બોલનારાઓ સાથે તેને કોઈ લેવાદેવા નથી, પરંતુ તે આવા લોકો સામે કાર્યવાહી કરતી નથી. બંધારણ એમ જ નથી બન્યું, તેની પાછળ લોકોએ બલિદાન આપ્યું છે.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો