જગદીપ ધનખડના અપમાનના વિવાદ અંગે કોંગ્રેસ પ્રમુખે આપ્યું સૌથી મોટું નિવેદન
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી બાદ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીનો ભાજપ દ્વારા તીવ્રતાપૂર્વક વિરોધ થઇ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે નેતાઓને મૌન રહેવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી.
સંસદની સીડીઓ પર ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા કરવામાં આવેલી મિમિક્રીને જગદીપ ધનખડે “વ્યક્તિગત હુમલો” તેમજ “જાટ-ખેડૂત સમુદાયના અપમાન” સમાન ગણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે “આ પ્રકારની વાતો કરીને લોકોને ઉશ્કેરવા ન જોઇએ.”
“મારી જાતિ અંગે પર વ્યક્તિગત હુમલો કરવામાં આવે છે, પરંતુ હું કંઇ બોલતો નથી.” તેવું કહેતા ખડગેએ નિવેદન આપ્યું હતું કે, “અધ્યક્ષે(જગદીપ ધનખડ) કહ્યું હતું કે આ જાતિ આધારિત અપમાન છે. ખેડૂતોનું પણ અપમાન કરવામાં આવ્યું..પણ મારી જાતિનું પણ અપમાન કરવામાં આવે છે પણ હું કંઇ કહેતો નથી.”
ભાજપ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવવા બદલ કલ્યાણ બેનર્જીનો ભાજપ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. તેમજ મિમિક્રીની ઘટનાનો વીડિયો બનાવવા બદલ ભાજપ રાહુલ ગાંધીની પણ ટીકા કરી રહી છે. આજે ગૃહમાં એનડીએના સાંસદો ધનખડના સન્માનમાં રાજ્યસભામાં એક કલાક સુધી ઉભા રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે ભાજપ તેમજ તેના સાથી પક્ષો સાંસદ કલ્યાણ બેનર્જીની આ પ્રવૃત્તિની “સખત નિંદા” કરે છે.
આ વિરોધના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘બહાર બનેલી ઘટના અંગે ગૃહમાં ઠરાવ પસાર કરવો કેટલી હદ સુધી યોગ્ય છે?’ તેમણે સંસદને સ્થગિત કરવા બદલ ટીકા પણ કરી અને કહ્યું હતું કે તમે નિયમોનું પાલન કર્યું નથી. સસ્પેન્ડ કરાયેલા સાંસદોને પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષ “કોઈનું અપમાન કરવા માંગતો નથી” અને માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિતની સરકારને જવાબદાર ઠેરવવા માંગે છે.
સાંસદોને સસ્પેન્ડ કરવા અંગે ખડગેએ કહ્યું, “મોદીજી અને શાહજી બંને અહીં છે… તેઓ ગૃહમાં આવીને સુરક્ષામાં ચૂક અંગે નિવેદના કેમ નથી આપતા? શા માટે તેઓ ગૃહનો બહિષ્કાર કરી રહ્યા છે? તેઓ બહાર આ વિશે વાત કરી શકે છે… પરંતુ ગૃહમાં નહીં?” તેમણે કહ્યું હતું કે “ગૃહપ્રધાને આ અંગે નિવેદન આપવું જોઈએ. દેશના ઈતિહાસમાં લખવામાં આવશે કે તેઓ લગભગ 150 સાંસદોને સસ્પેન્ડ કરી રહ્યા છે અને ગૃહને એકતરફી ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.” ખડગેએ ઉમેર્યું હતું.