ભરૂચ બેઠક પરથી ટિકિટ ન મળતા હતાશ મુમતાઝ પટેલને કોંગ્રેસે આપી આ મોટી જવાબદારી

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપને જોરદાર ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં તેના સંગઠનને મજબુત કરવા માટે જોરદાર પ્રયાસો કરી રહી છે. લોકસભા ચૂંટણીના પગલે ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓને મોટી જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે ચૂંટણી પ્રચાર અભિયાન માટે ખાસ સ્ટ્રેટેજી કમિટીની રચના કરી છે, જેમાં દિવંગત કોંગી નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ સ્થાન મળ્યું છે.
ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વએ મુમતાઝ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કેમ્પેઈન કમિટિ, સ્ટ્રેટેજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટિ, પબ્લિસિટી કમિટી, કાર્યક્રમ અમલીકરણ સમિતિ, મીડિયા કો-ઓર્ડિનેશન અને લીગલ કો-ઓર્ડિનેશન કમિટીની રચના કરી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધાર્થભાઈ પટેલને ગુજરાત લોકસભા ચૂંટણી માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને પણ પ્રચાર સમિતિમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત મુકુલ વાસનિકને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
ALSO READ : લાલુ યાદવની મુશ્કેલી વધી, ગ્વાલિયરની કોર્ટે ધરપકડ વોરન્ટ જારી કર્યું, શું છે સમગ્ર મામલો?
ગુજરાતમાં મુમતાઝ પટેલ અથવા તેમના ભાઈ ફૈઝલ પટેલ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા હતી. ચૂંટણીની જાહેરાત પહેલા ભરૂચ બેઠક અંગેનો મામલો અટવાયેલો જોવા મળ્યો હતો. મુમતાઝ પટેલને વિશ્વાસ હતો કે તેમને આ બેઠક આપવામાં આવશે પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ આપી ન હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ સાથે સીટ શેરિંગ એગ્રીમેન્ટ હેઠળ આ સીટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને આપવાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. સમજૂતી બાદ આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી તેના ધારાસભ્ય ચૈત્રા વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.