ટોપ ન્યૂઝનેશનલ

લોકસભાના પરિણામોથી જોરમાં આવેલી કૉંગ્રેસ રાજ્યસભામાં કંઈ ઉકાળી નહીં શકે

નવી દિલ્હીઃ તાજતેરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી (Loksabha election results)માં કૉંગ્રેસે (Congress) સારો દેખાવ કર્યો છે અને પોતાની જગ્યા મજબૂત કરી છે. 2019ની 52 બેઠકની સરખામણીમાં 2024માં કૉંગ્રેસની 99 બેઠક પર જીત થઈ છે. લોકસભામાં કૉંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનની (India block) તાકાત વધી છે, પરંતુ રાજ્યસભામાં કૉંગ્રેસ પાસે ખાસ કંઈ મેળવી લેવાની તક નથી.

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે રાજ્યસભાની પેટાચૂંટણીનો વારો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા 10 ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં સભ્યોની જીત બાદ ઉપલા ગૃહની 10 બેઠકો ખાલી પડી છે. રાજ્યસભાની પેટાચૂંટણી બાદ ભાજપની આગેવાની હેઠળની એનડીએ ગૃહમાં વધુ મજબૂત બનવા જઈ રહી છે, જ્યારે ભારતીય ગઠબંધન અને કોંગ્રેસની તાકાત ઘટવા જઈ રહી છે.

રાજ્યસભાની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ભાજપ-એનડી (BJP-NDA)એ ગઠબંધન પાસે જવાની છે. તેનું કારણ એ છે કે જે રાજ્યોની બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં હાલમાં ભાજપ-એનડીએની સરકાર છે. જેના કારણે કોંગ્રેસ રાજ્યસભાની બે બેઠકો ગુમાવશે. કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદો કેસી વેણુગોપાલ અને દીપેન્દ્ર હુડ્ડા લોકસભા ચૂંટણીમાં જીત્યા છે. વેણુગોપાલ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે, જ્યારે હુડ્ડા હરિયાણાથી ઉપલા ગૃહના સભ્ય છે. હાલ હરિયાણા અને રાજસ્થાનમાં ભાજપની બહુમતી છે.

જો કે, NDA ગઠબંધનમાંથી જેજેપી અલગ થવાને કારણે અને થોડા મહિના પછી જ ચૂંટણી યોજાવાની હોવાથી હરિયાણામાં યોજાનારી પેટાચૂંટણીમાં ખેલ થવાનો અવકાશ છે. હરિયાણાની રાજ્યસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જો આમ થાય તો ભૂપેન્દ્ર હુડ્ડા પોતાની પસંદગીના નેતાને મેદાનમાં ઉતારી શકે છે અથવા પક્ષની અંદરના હરીફ નેતાઓને હરાવવા માટે ચૌધરી બિરેન્દ્ર કે કિરણ ચૌધરી જેવા નેતાને સમર્થન આપી શકે છે.

રાજ્યસભાની ખાલી પડેલી 10 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપનો કબજો છે. બે સીટ કોંગ્રેસ પાસે છે જ્યારે એક સીટ આરજેડીના ખાતામાં છે. બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાંથી બે-બે બેઠકો જ્યારે રાજસ્થાન, ત્રિપુરા, હરિયાણા અને મધ્ય પ્રદેશમાંથી એક-એક બેઠક ખાલી છે. રાજ્યસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ પાસે રહેલી બે બેઠકો જીતવા જઈ રહ્યું છે. કોંગ્રેસની બે બેઠકો હરિયાણા અને રાજસ્થાનની છે, જ્યાં ભાજપ હાલમાં બહુમતી સાથે સત્તામાં છે.

તેવી જ રીતે બિહારમાં પણ હવે ભાજપની સરકાર છે. મહારાષ્ટ્ર અને આસામ પણ આવા બે રાજ્યો છે, જ્યાં ભાજપ હાલમાં તેના સહયોગીઓ સાથે સરકાર ચલાવી રહી છે. મધ્યપ્રદેશમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર છે. જો ત્રિપુરાની વાત કરીએ તો અહીં પણ ભાજપની સરકાર છે. બિહારની બે સીટમાંથી એક સીટ એનડીએ અને એક સીટ ઈન્ડિયા એલાયન્સને મળી શકે છે. તેમ છતાં ભાજપ પાસે 10માંથી 9 બેઠકો જીતવાની તક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button