નેશનલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ કલમાડીનું 81 વર્ષની વયે નિધન, એરફોર્સ પાયલોટથી કેન્દ્રીય પ્રધાન સુધીની સફર

પુણે: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ કલમાડી 81 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં, તેઓ પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

સુરેશ કલમાડીની ઓફીસના જણાવ્યા મુજબ તેમના પાર્થિવ શરીરને એરંડવા સ્થિત કલમાડી હાઉસ ખાતે બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવશે. પુણેના નવી પેઠમાં આવેલા વૈકુંઠ સ્મશાનગૃહ ખાતે બપોરે 3.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરેશ કલમાડીનું અવાસન થતા અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કરી રહ્યા છે અને જાહેર જીવનમાં તેમના યોગદાનને યાદ કરી રહ્યા છે.

પુણેના રાજકારણમાં તેઓ પ્રભાવ ધરાવતા હતાં અને તેઓ ઘણી વખત પુણેથી લોકસભા માટે ચૂંટાયા હતાં. કલમાડીએ 1964 થી 1972 સુધી ઇન્ડિયન એરફોર્સમાં ફાઈટર જેટના પાઇલટ તરીકે સેવા આપી હતી અને 1974 માં વાયુ સેનામાંથી નિવૃત્ત થયા હતા, ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ કલમાડીએ તેમની દશકો લાંબી રાજકીય કારકિર્દીમાં મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. સુરેશ કલમાડીએ કેન્દ્રીય રેલ્વે રાજ્ય પ્રધાન રહ્યા હતાં, તેઓ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન(IOA)ના પ્રમુખ પણ રહ્યા હતાં, આ ઉપરાંત સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન સાથે લાંબા સમય સુધી સંકળયેલા રહ્યા હતાં.

વિવાદોથી ઘેરાયેલો અંતિમ તબક્કો:

નોંધનીય છે કે 2010 ના દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચાર મામલે તેઓ ચર્ચામાં રહ્યા આવ્યા હતાં. એપ્રિલ 2011 માં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

વિવાદો છતાં તેઓ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનમાં સક્રિય પર રહ્યા. વર્ષ 2016 માં 150 થી વધુ સભ્યોની પેનલ દ્વારા તેમને અને અભય સિંહ ચૌટાલાને IOA ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જોકે, તત્કાલીન કેન્દ્રીય રમતગમત પ્રધાને આ નિર્ણયની તપાસ શરુ કરાવી હતી, ત્યાર બાદ કલમાડીએ આ પદ સ્વીકારવાની મનાઈ કરી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button