કર્ણાટકમાં પ્રેસ કોન્ફરન્સ કરતા જ ઢળી પડ્યા કોંગ્રેસના નેતા!

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુના પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહેલા કોંગ્રેસના એક નેતાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર નેતાનું નામ સીકે રવિચંદ્રન છે અને તેઓ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી સંઘના સભ્ય હતા. તેઓ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવાના વિરોધમાં બેંગલુરુ પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ ઘટના અંગે ‘X’ પર પોસ્ટ કરી છે.
તેમણે લખ્યું, “રાજ્યપાલ દ્વારા કાર્યવાહીના આદેશ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી એસોસિએશન વતી બેંગલુરુ પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે, એસોસિએશનના સભ્ય અને અમારી પાર્ટીના કાર્યકર સીકે રવિચંદ્રનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે.
આ પણ વાંચો: કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે હાવેરીમાં કોંગ્રેસના કાર્યકરને તમાચો ઝીંકી દીધો, VIDEO વાયરલ
તેમણે આગળ લખ્યું હતું કે “સંવિધાન અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં અમારા સાથી એવા રવિચંદ્રનના અકાળે અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આ દુઃખની ઘડીમાં હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો સાથે છું.”
હાલ કર્ણાટકના રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) ની જમીન ફાળવણીમાં કથિત અનિયમિતતા અંગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે તપાસને મંજૂરી આપતાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો સોમવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે સીએમ સિદ્ધારમૈયાને મોટી રાહત આપી છે અને આગામી આદેશ સુધી તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીના અમલ પર રોક લગાવી દીધી છે. રાજ્યપાલના આદેશ સામે સિદ્ધારમૈયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.