કોંગ્રેસી નેતાએ અક્ષત વહેંચવા આવેલા રામ ભક્તોને ગાળો બોલી અને સોસાયટીમાંથી કાઢી મૂક્યા….

જયપુર: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકને હવે થોડોક જ સમય બાકી છે. ત્યારે આખો દેશ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા માટે થનગની રહ્યો છે. ત્યાં સુધી કે સમગ્ર વિશ્ર્વની નજર અયોધ્યામાં યોજાનાર મહોત્સવ પર છે. વિદ્શથી પણ ઘણા મહેમાનો ભાગ લેવા આવવાના છે. ત્યારે પ્રભુ રામના આશીર્વાદ સમા અખંડ ચોખાને અયોધ્યાથી દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે રામ ભક્તોના ઘરે-ઘરે જઈને અયોધ્યાથી આવેલા અક્ષત આપીને ભગવાન શ્રી રામના સ્વાગતની તૈયારીઓ કરવા અપીલ કરવામાં આવે છે. તે જ રીતે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જયપુરના સ્થાનિક મંદિરોમાં ઉત્સવ ઉજવવા લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે પરંતુ ઘણા નેતાઓ આ મહોત્સવમાં પણ રાજકારણ રમી રહ્યા છે.
જયપુરમાં કોંગ્રેસના એક નેતાએ અક્ષત વહેંચવા આવેલા રામ ભક્તો સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટના શહેરના કૃષ્ણ કુંજ વિલાસ વેલ્ફેર સોસાયટીમાં બની હતી. રામ મંદિરના અભિષેક સમારોહ માટે પીળા ચોખાનું વિતરણ કરવા માટે રામભક્તોનું એક જૂથ કૃષ્ણ કુંજ પહોંચ્યું હતું. આ રામ ભક્તો રામધૂન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ચૌધરી અને ઉપાધ્યક્ષ રાજીવ કુમારે તેમને ગાળો આપીને ભગાડી દીધા હતા અને ચોખા વહેંચવા દીધા ન હતા.
જગદીશ ચૌધરી કૃષ્ણ કુંજ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ પણ છે. જો કે કોલોનીના અન્ય ઘણા રહેવાસીઓએ આ બાબતનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ જગદીશ ચૌધરી વગદાર વ્યક્તિ હોવાના કારણે તેમની સામે કોઈ વધારે બોલ્યું નહોતું. રામ ભક્તોએ જણાવ્યું હતું કે જ્યારે અમે જયપુરમાં ઘણા વિસ્તારોમાં ગયા ત્યારે અમને દરેક જગ્યાએ સન્માન મળ્યું, દરેક લોકો સ્વાગત કરી રહ્યા હતા, પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર આવવાથી અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને કારણે કોંગ્રેસના નેતાઓ પોતાનો ગુસ્સો રામ ભક્તો પર કાઢી રહ્યા છે અને અમને અક્ષત આપવા જતા રોકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા આયોજકોએ 1 જાન્યુઆરીથી દેશના ઘરે ઘરે અક્ષતનું વિતરણ શરૂ કરી દીધું હતું, જે 15 જાન્યુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે.