બિહારમાં કોંગ્રેસ 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે, ભાજપે વાંધો કેમ ઉઠાવ્યો?

પટના: આ વર્ષે ઓકટોબર કે નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly election) યોજાવાની છે. મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો અત્યારથી પ્રયાસો કરી રહ્યા છે. આજે શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીની રણનીતિ અંગે જાણકારી આપી હતી. આ સાથે તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી રાજ્યની 5 લાખ મહિલાઓને વિનામૂલ્યે સેનિટરી પેડનું વિતરણ કરશે.
કોંગ્રેસે આ યોજનાને પ્રિયદર્શિની ઉડાન યોજના નામ આપ્યું છે, જેનો હેતુ મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે જાગૃતિ લાવવાનો છે. આ યોજના કોંગ્રેસના વ્યાપક મહિલા-કેન્દ્રિત આઉટરીચનો એક ભાગ છે. કોંગ્રેસે વંચિત પરિવારોની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાનું ભથ્થું આપવાનું વચન આપ્યું છે.

બોક્સ પર રાહુલ ગાંધીનો ફોટો:
સેનિટરી પેડના બોક્સ પર રાહુલ ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો છે. બોક્સ પર લખેલું છે- માઈ-બેહન માન યોજના. પત્રકારો સાથે વાત કરતા રાજેશ કુમારે કહ્યું કે, અમે બિહારના સંદર્ભમાં મહિલાઓ માટે ખાસ તૈયારીઓ કરી છે. રાજ્યની મહિલાઓને સેનિટરી પેડ્સ આપવામાં આવશે. આ સેનિટરી પેડ્સ દરેક મહિલા સુધી પહોંચાડવામાં આવશે. આ માટે અમે એક અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ. મહિલા કોંગ્રેસ મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરશે.
ભાજપે વાંધો ઉઠાવ્યો:
સેનિટરી પેડ્સના બોક્સ પર પર રાહુલ ગાંધીના ફોટા સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, “સેનિટરી પેડ્સ પર રાહુલ ગાંધીનો ફોટો બિહારની મહિલાઓનું અપમાન છે. કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે. બિહારની મહિલાઓ કોંગ્રેસ અને આરજેડીને પાઠ ભણાવશે.”
ચૂંટણીમાં મહિલાઓ પર વધુ ફોકસ:
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારો મહત્વનો ભાગ ભજવે તેવી શક્યતા છે, માટે દરેક પક્ષ મહિલાઓને આકર્ષવા પ્રયાસ કરી રહ્યો છે. નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારે ‘મહિલા સંવાદ’ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેનો હેતુ 2 કરોડ મહિલાઓ સાથે જોડાવા માટે ગામડે ગામડે પહોંચવાનો છે.